વીર નર્મદ યુનિવર્સિટી ખાતે ‘ઇનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ સેન્ટર’નું ઈ-માધ્યમથી ઉદ્દઘાટન કરાયું.

દક્ષિણ ગુજરાતમાં સ્ટાર્ટઅપ પ્રવૃત્તિને વેગ આપવા માટે રાજ્યના શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગાંધીનગર ખાતેથી સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ‘ઇનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ સેન્ટર’નું ઇ-માધ્યમથી ઉદ્દઘાટન કર્યું હતું.
આ પ્રસંગે શિક્ષણમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આજે આપણે દરેક ક્ષેત્રે આધુનિકતા અને ટેકનોલોજી થકી ગ્લોબલ બની શક્યા છીએ. આપણી ફરજ બને છે કે આધુનિક ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરીને સમાજ તથા દેશની સુવિધામાં વધારો કરીએ. સમસ્યાનું સુવિધા સાથે સમાધાન કરવું એટલે સ્ટાર્ટઅપ. ૭૨ વર્ષની આઝાદીમાં પ્રથમવાર તક મળી છે. સુરતના બે મુખ્ય એવા એક હીરાના વ્યવસાયમાં પણ આધુનિકતા આવી. ગુજરાતના લોકો બિઝનેસ માઈન્ડેડ છે. તેમના ઇનોવેટિવ કામથી દેશમાં દબદબો છે. જો અશિક્ષિત ખેડૂત નાનું ટ્રેકટર બનાવી શકતો હોય તો ટેકનિકલ ગ્રેજ્યુએટ એ કામ કરે તો શું થઇ શકે, તેનું જ નામ ઇનોવેશન છે. બીજો ટેક્ષ્ટાઈલ વ્યવસાય છે. જેમાં પણ આધુનિકતા આવી છે. પ્રજાને સગવડતા મળી રહે તે ઇનોવેશન છે.
વડાપ્રધાનશ્રીની આત્મનિર્ભર ઝુંબેશ સંદર્ભે શિક્ષણમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના દૂરદર્શીપણાને અને ઇનોવેટીવ વિચારો થકી આજે પતંગોત્સવ જેવી સફળ પ્રવૃત્તિ થઇ શકી છે. જેના કારણે પતંગ વેપારીઓનું ૩૦ કરોડનું ટર્નઓવર પાંચ વર્ષમાં ૩૦૦ કરોડ સુધી પહોચ્યુ છે. આમ, પતંગ વિક્રેતાઓને ચાર મહિનાની રોજગારીમાંથી બાર મહિનાની રોજગારી મળી શકી. એ જ રીતે, રણોત્સવ. જ્યાં ૧૦ વર્ષ પહેલા કચ્છની હોટેલોમાં ૧૦ થી ૨૦ ટકા જેટલી ઓક્યુપન્સી રહેતી જે હવે બારેય માસ ૧૦૦ ટકા ઓક્યુપન્સી રહે છે. આ ઇનોવેટીવ વિચારનું પરિણામ છે. ગુજરાતમાં વિશાળ શકયતાઓ છે. દરેક વ્યક્તિ ક્ષમતા ધરાવે છે. જેને ખીલવવાની આવશ્યકતા ઇનોવેશન પુરી પાડશે. ઇનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ સેન્ટર દ્વારા વિદ્યાર્થીઓને ખુબ તક મળશે. ડાયમંડ અને ટેક્સટાઈલ ક્ષેત્રોમાં સ્ટાર્ટ અપ માટે વિપુલ તકો રહેલી છે. યુનિવર્સિટી પાસે સંસાધનો છે, અને સરકારની મદદ પણ મળી રહી છે ત્યારે વિદ્યાર્થીઓના નવા વિચારોને પ્રોત્સાહિત કરવા જોઈએ તેવું તેમણે ઉમેર્યું હતું.
ઇનોવેશન સેન્ટર વિદ્યાર્થીઓમાં રહેલા નવીન વિચારો અને સ્ટાર્ટઅપ આઈડિયા ‘ઇનોવેશન ટુ ઇન્કોર્પોરેટ’ એટલે કે નવીનીકરણથી સ્ટાર્ટઅપ દ્વારા એક કંપની પ્રસ્થાપિત કરવાની મંઝીલ સુધી મદદગાર બનવાનો પ્રયાસ કરશે. આવનારા દિવસોમાં સેન્ટર દ્વારા ઇનોવેશન, સ્ટાર્ટઅપ, ફેસ્ટિવલ કોન્ફરન્સ વગેરેનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત સેન્ટર પેટન્ટ ફીલિંગ સેન્ટર તરીકે પણ કાર્ય કરશે. સ્થાનિક ઉદ્યોગ વસાહત સાથે જોડાણ કરીને સહાયક કામગીરી પ્રસ્તુત સેલ દ્વારા કરવામાં આવશે. આ સાથે સંશોધનનો સંગ્રહ અને પ્રકાશનનું કામ પણ કરવામાં આવશે.
રાજ્યના શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે, ‘ગુજરાત વિદ્યાર્થીઓને સૌથી વધારે સ્ટાર્ટઅપ કરવામાં પ્રથમ રહ્યું છે. વિદ્યાર્થીઓના વિચારને પ્રોડક્શન સુધી લઇ જવામાં સરકાર દ્વારા મદદ મળી રહે છે એમ જણાવી આ ક્ષેત્રમાં વધુને વધુ સારું કામ કરી શકીએ તેવી શુભેચ્છા પાઠવી હતી.
ઈ-માધ્યમથી આયોજિત સમારોહમાં રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના પ્રિન્સીપાલ સેક્રેટરી અંજુબેન શર્મા, નર્મદ યુનિ.ના વાઈસ ચાન્સેલર ડો. હેમાલીબેન દેસાઈ, આઈ હબના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર હિરન્મય મહંતા તથા ફેસબુકના માધ્યમથી નર્મદ યુનિ.ના પ્રાધ્યાપકો તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *