રૂ.બે લાખની સહાય અર્પણ કરી.

દેશની સુરક્ષા અને માતૃભૂમિના સાર્વભૌમત્વને અખંડિત રાખવા સરહદોની રક્ષા કરતાં વીર જવાનો શહાદત વ્હોરે છે, ત્યારે શૌર્યવાન જવાનોના પરિવારોને સરકાર તો નિયમાનુસાર સહાય ચૂકવે જ છે, પરંતુ જો સમાજ પણ આવા પરિવારોની પડખે ઉભો રહે તો શહીદના પરિવારને અહેસાસ થાય કે, દેશ માટે પરિવારના લાડકવાયા વીરલાએ જે બલિદાન આપ્યું છે એ એળે નથી ગયું. સુરતની ‘જય જવાન નાગરિક સમિતિ’ છેક ૧૯૯૯થી શહીદોના પરિવારોને સન્માન સાથે આર્થિક સહાય આપવામાં આવે છે. કારગીલ યુદ્ધ સમયથી આ સમિતિએ શરૂ કરેલી શહીદ પરિવાર સન્માન અને સહાયની પ્રવૃત્તિ તાજેતરના ગલવાન ઘાટી હુમલાના શહીદો સુધી વિસ્તરી છે, અને ‘દેશ અને સમાજ તમારી સાથે છે’ એવા સધિયારા સાથે સહાય આપવામાં આવે છે. સમિતિએ આજરોજ વડોદરા જઈને જુલાઈ-૨૦૧૯માં વીરગતિ પામેલા શહેરના જવાંમર્દ શહીદ આરિફ પઠાણના પરિવારને રૂ.બે લાખની સહાયતા અર્પણ કરી છે. ૨૪ વર્ષીય આરિફ પઠાણ જમ્મુ કાશ્મીર બટાલિયન ૧૮માં તૈનાત હતાં. સમિતિના ટ્રસ્ટીશ્રી કાનજીભાઈ ભાલાળાના દિશાદર્શન હેઠળ શ્રી દેવચંદભાઈ કાકડિયા અને સુરેશભાઈ પટેલે આ પરિવારના વડોદરા નિવાસ સ્થાને જઈને સહાયનો ચેક અર્પણ કર્યો હતો.
કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું કે, સમિતિ શહીદોના પરિવારોને મદદરૂપ બની દેશસેવામાં યોગદાન આપવાનો સંતોષ અનુભવે છે. દેશના સીમાડાની રક્ષા કરતાં પ્રાણોનું બલિદાન આપનાર જવાનોના પરિવારોને આર્થિક સહાયતા દ્વારા હૂંફ આપીએ છીએ. કારગીલ યુદ્ધના ૧૨ જવાનોના પરિવારોને રૂ.ચાર-ચાર લાખની સહાયતાથી સેવાપ્રવૃત્તિ શરૂ કરી હતી. પુલવામા હુમલાના શહીદ ૪૩ જવાનો અને ચીની સૈનિકો સાથે ગલવાન ઘાટી સંઘર્ષમાં શહીદ ૪૩ જવાનો અને ગલવાન સંઘર્ષના શહીદ ૨૦ જવાનોના પરિવારોને પણ આર્થિક મદદ કરી છે.
શ્રી ભાલાળાએ વધુમાં કહ્યું કે, આજ સુધી સરહદે અને આતંકવાદીઓનો સામનો કરતાં શહીદ થયેલા ૩૩૮ જવાનોના પરિવારોને સમિતિએ રૂ.૫ કરોડ ૭૨ લાખ ૨૪ હજારની સહાયતા રાશિ ચૂકવી છે. ‘દેશ માટે શહીદી વ્હોરનાર સપૂતો ધર્મ, જાતિ કે પ્રદેશના ભેદ વગર સન્માનને પાત્ર છે.’ આ સૂત્રને અનુસરી ‘જય જવાન નાગરિક સમિતિ’ હંમેશા શહીદોના પરિવારોની પડખે રહે છે. શુભેચ્છકોના દાન અને સહયોગથી આ પ્રવૃત્તિને વેગવાન બનાવી શક્યા હોવાનું તેઓ ઉમેરે છે.
આ વેળાએ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, વડોદરાના પ્રમુખ પી.પી. કાનાણી, સેક્રેટરી ભાવેશભાઇ કસવાલા, ટ્રસ્ટી કુમુદભાઇ અકબરી સહિતના અગ્રણીઓએ સહયોગ પૂરો પાડયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *