રાજ્ય સરકારે દર્શનાર્થીઓ માટે એક પણ મંદિર બંધ કર્યા નથી : ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા.

ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહજી જાડેજાએ જણાવ્યું છે કે, લાખો શ્રદ્ધાળુઓના શ્રધ્ધાનુ પ્રતિક સમાન ધાર્મિક સ્થાનો-મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ કર્યા નથી. કોરોનાનું સંક્રમણ અટકે એ માટે તકેદારી સાથે યોગ્ય સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય એ માટે ટ્રસ્ટીઓ સાથે સંકલન કરીને યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

મંત્રી શ્રી જાડેજાએ ઉમેર્યુ કે કોરોનાના કપરા કાળમાં લોકડાઉન-૧થી અનલૉક-૧ ૭મી જૂન-૨૦૨૦થી અમલમાં આવ્યુ ત્યારથી તેમાં નિયત કરાયેલ નિશ્ચિત માર્ગદર્શક સુચનાઓ મુજબ તમામ મંદિરો દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યા છે. એક પણ મંદિરમાં સરકારે દર્શન બંધ કર્યા નથી કેટલીક જગ્યાએ નવરાત્રિમાં લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવવાની સંભાવનાને ધ્યાને લઇને પૂરતી તકેદારી રાખવા ટ્રસ્ટોને સૂચના અપાઇ છે અને ટ્રસ્ટ સાથે પૂરતું સંકલન સાધીને સંક્રમણ વધે નહીં એ માટે તકેદારીના પગલા લેવાશે.

તેમણે ઉમેર્યું કે હાલની પ્રવર્તમાન પરિસ્થિતિમાં સ્થાનિક કક્ષાએ સંજોગો અનુસાર જે તે મંદિરના  ટ્રસ્ટ દ્વારા નિર્ણયો લેવાયા છે. ધાર્મિક સ્થાનોમાં પરંપરા મુજબ થતી આરતી, પૂજન, યજ્ઞો રાબેતા મુજબ ચાલુ રહેશે અને શ્રદ્ધાળુઓને દર્શન માટે મંદિર સુધીના માર્ગમાં ઓછા લોકો પ્રવેશે અને ડિસ્ટન્સ જળવાય તેની તકેદારી રાખીને આ માર્ગ પર LEDની વ્યવસ્થા થકી દર્શનની સુવિધા ઉભી કરવામાં આવશે. નવરાત્રી દરમિયાન સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને લઇને જે તે ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાશે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે એ આ નવરાત્રિ દરમ્યાન આવતા શ્રધ્ધાળુઓમાં સંક્રમણ ન ફેલાય એ માટે પૂરતી તકેદારી રખાશે તેમ જ શ્રદ્ધાળુઓના આસ્થા માટે અપાતો પ્રસાદ પણ આસ્થા કેન્દ્રો દ્વારા બંધ પેકેટમાં આપવાનો નિર્ણય કરાયો છે. જેના લીધે દર્શનાર્થીઓ સીધા સંપર્કમાં ન આવે અને સંક્રમણ ફેલાય નહીં. તેમણે કહ્યું કે આગામી સમયમાં આવતા તહેવારોમાં પણ ધાર્મિક અને આસ્થા કેન્દ્રો પર જતા શ્રદ્ધાળુઓ પણ દર્શન માટે જાય ત્યારે કોરોનાના સંક્રમણથી બચવા માટે સ્વયં જાગૃતિ રાખે અને ચુસ્ત નિયમોનું પાલન સાથે યોગ્ય સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે તેવો અનુરોધ પણ સરકાર દ્વારા કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *