મંત્રીમંડળે NMDCમાંથી નાગરનાર સ્ટીલ પ્લાન્ટને અલગ પડવા માટે અને અલગ પાડેલા એકમના વ્યૂહાત્મક વિનિવેશ માટે મંજૂરી આપી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ નેશનલ મીનરલ્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NMDC) લિમિટેડમાંથી નાગરનાર સ્ટીલ પ્લાન્ટ (NSP)ને અલગ પાડવાની (ડીમર્જ કરવાની) તેમજ અલગ પાડવામાં આવેલી કંપની (NSP)માં ભારત સરકારનો સંપૂર્ણ હિસ્સો કોઇ વ્યૂહાત્મક ખરીદદારને વેચીને તેના વ્યૂહાત્મક વિનિવેશ માટે “સૈદ્ધાંતિક” મંજૂરી આપી છે.

NSP વાર્ષિક ત્રણ મિલિયન ટન (mta) એકીકૃત સ્ટીલ પ્લાન્ટ છે જે NMDC દ્વારા છત્તીસગઢના બસ્તર જિલ્લામાં નાગરનાર ખાતે 1980 એકર વિસ્તારમાં રૂપિયા 23,140 કરોડના અંદાજિત સુધારેલા ખર્ચે (14.07.2020ના રોજ અનુસાર) ઉભો કરવામાં આવી રહ્યો છે. આજદિન સુધીમાં NMDC દ્વારા આ પરિયોજના માટે રૂપિયા 17,186 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે જેમાંથી રૂપિયા 16,662 કરોડ NMDCના પોતાના ભંડોળમાંથી રોકવામાં આવ્યા છે અને રૂપિયા 524 કરોડ બોન્ડ માર્કેટમાંથી ઉભા કરવામાં આવ્યા છે.

આ મંજૂરી મળવાથી, CCEA દ્વારા 27 ઓક્ટોબર 2016ના રોજ લેવામાં આવેલા, NMDCના એકમ તરીકે નાગરનાર સ્ટીલ પ્લાન્ટનું વિનિવેશ કરવાના નિર્ણયમાં સુધારો કરવામાં આવ્યો છે.

NSPના વિનિવેશ પહેલાં તેને એક જુદી કંપની તરીકે અલગ પાડવાની દરખાસ્તમાં નીચે દર્શાવ્યા અનુસાર ફાયદા થશે:

  1. અલગ પાડવાની આ પ્રક્રિયા (ડીમર્જર)ના કારણે, NMDC ખાણકામને લગતી પોતાની મૂળભૂત પ્રવૃત્તિઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે;
  2. અલગીકરણ કર્યા પછી, NSP એક અલગ કંપની બની જશે અને NMDC તેમજ NSPના મેનેજમેન્ટ તેમની સંબંધિત કામગીરીઓ અને નાણાકીય પ્રદર્શન માટે જવાબદાર રહેશે. NMDCના શેરધારકો તેમના શેર હિસ્સાના અનુપાતમાં અલગ પાડવામાં આવેલી કંપની (NSP)માં શેરધારક રહેશે.
  3. અલગીકરણની કામગીરી પછી, રોકાણકારો કંપનીમાં થઇ રહેલા પરિચાલન અને કામગીરી વધુ સ્પષ્ટ રીતે જોઇ શકશે અને NMDC તેમજ NSPના રોકડના પ્રવાહને પણ અલગ અલગ રીતે જોઇ શકશે.
  4. આ અલગીકરણ કેપિટલ ગેઇનના દૃષ્ટિકોણથી પણ ટેક્સ ન્યૂટ્રલ રહેશે.

CCEA દ્વારા નોંધવામાં આવ્યું છે કે, અલગીકરણ અને વિનિવેશની પ્રક્રિયા સમાંતરરૂપે હાથ ધરવામાં આવશે અને અલગ પાડવામાં આવેલી કંપની (NSP)ના વિનિવેશની કામગીરી સપ્ટેમ્બર 2021 સુધીમાં સંપન્ન થઇ જશે તેવી અપેક્ષા છે.

NMDC એ સ્ટીલ મંત્રાલય અંતર્ગત સૂચિબદ્ધ CPSE છે અને ભારત સરકાર આ કંપનીમાં 69.65%નો શેર હિસ્સો ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *