દક્ષિણ ગુજરાતના આદિજાતિ જિલ્લા તાપીના દોસવાડામાં સ્થપાશે વિશ્વનું સૌથી મોટું ઝીંક સ્મેલ્ટર કોમ્પ્લેક્ષ.

દક્ષિણ ગુજરાતના આદિજાતિ વિસ્તાર તાપી જિલ્લાના દોસવાડામાં વિશ્વના સૌથી મોટા ઝિંક સ્મેલ્ટર કોમ્પ્લેક્ષની સ્થાપના માટેના MoU ગુજરાત સરકાર અને વેદાન્તા ગૃપની હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા. મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ અને ઊદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ તથા હિન્દુસ્તાન ઝિંક લિમિટેડના સી.ઇ.ઓ શ્રી અરૂણ મિશ્રાએ આ MoU પર હસ્તાક્ષર કર્યા હતા. 

    મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી અને ઊદ્યોગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસે આ પ્રોજેકટસના પરિણામે રાજ્યના આદિજાતિ વિસ્તારની આર્થિક-સામાજીક વિકાસની ગતિ વધુ વેગવાન બનશે તેની ભૂમિકા આપી હતી.વેદાન્તા ગૃપની હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ આ પ્લાન્ટ માટે રૂ. ૧૦ હજાર કરોડનું રોકાણ દોસવાડામાં કરશે તેમજ એશિયા અને મિડલ ઇસ્ટના દેશોમાં ઝિંકની મોટાપાયે નિકાસ તથા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રિય સ્તરે વધતી જતી માંગને પહોચી વળવા પર આ પ્લાન્ટ દ્વારા વિશેષ ધ્યાન કેન્દ્રીત કરશે. વેદાન્તા ગૃપનું ગુજરાતમાં આ પ્રથમ મોટું સાહસ છે. 

    હિન્દુસ્તાન ઝિંક લિમિટેડના શ્રી અગ્રવાલે આ પ્રોજેકટ ગુજરાતમાં શરૂ થવાની પહેલના મૂળમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં રાજ્ય સરકારનો સકારાત્મક પ્રતિસાદ રહેલો છે તેમ જણાવ્યું હતું.મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દિશાદર્શનમાં રાજ્ય સરકારે તાજેતરમાં જાહેર કરેલી નવી ઔદ્યોગિક નીતિ-ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ પોલિસીનો લાભ લઇને આ આદિજાતિ વિસ્તારમાં સ્ટેટ ઓફ ધ આર્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર પણ હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ દ્વારા શરૂ કરાશે. આ સેન્ટરના પરિણામે આ વિસ્તારના કુદરતી સંશાધનોનું ટેકનોલોજી અને ઇનોવેશનથી સંવર્ધન-સંરક્ષણ થઇ શકશે. 

    તેમણે કહ્યું કે, દેશના અન્ય કોઇ પણ રાજ્યમાં આ પ્રકારની પારદર્શી અને ગતિશીલતાનો અનુભવ તેમને થયો નથી. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણાથી MoUની આ પ્રક્રિયા બે જ મહિનાના ટુંકાગાળામાં પૂર્ણ થઇ તેનો તેમણે આનંદ વ્યકત કર્યો હતો. ૩૦૦ KTPAની ઉત્પાદન ક્ષમતા સાથે આદિજાતિ ક્ષેત્ર તાપી જિલ્લામાં સ્થપાનારા હિન્દુસ્તાન ઝિંક લીમીટેડના આ સાહસને પરિણામે પાંચ હજારથી વધુ સ્થાનિક યુવાઓને રોજગાર અવસર તેમજ રપ હજારથી વધુ લોકોને જીવનનિર્વાહનો આર્થિક આધાર મળતો થવાનો છે.  શ્રી અગ્રવાલે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ગુજરાત સરકારના આ પોઝિટીવ એપ્રોચના પરિણામે આગામી ભવિષ્યમાં ગુજરાતમાં હજુ વધુ મોટા પ્રોજેકટ અને વધુ મૂડીરોકાણો માટે તત્પરતા દર્શાવી હતી.

    મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વૈશ્વિક મહામારી કોરોના પછીની દેશમાં બદલાયેલી સ્થિતીમાં ગુજરાતમાં ઊદ્યોગો અને રોજગારીને પૂન: ચેતનવંતા કરવા આયોજનબદ્ધ પગલાં લીધા છે. આની ફલશ્રુતિ રૂપે રાજ્ય સરકારના પ્રોત્સાહક સહયોગથી અનેક ઊદ્યોગ એકમો-સાહસોએ પોતાના પ્લાન્ટના નિર્માણકાર્ય પૂર્ણ કરી રેકર્ડ ટાઇમમાં ઉત્પાદન પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. 
    હિન્દુસ્તાન ઝિંક લિમિટેડના આ પ્રોજેકટનો પ્રથમ તબક્કો MoU થયાના ૩૬ મહિનામાં કાર્યરત થઇ જશે તેમ આ અવસરે કંપની સંચાલકોએ જણાવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નિશ્ચિત સમયમાં આ પ્લાન્ટ કાર્યરત થઇ શકે તે હેતુસર રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની તત્પરતા દર્શાવી હતી. રાજ્યમાં નિર્માણ થયેલ કાર્યક્ષમ અને અત્યાધુનિક ઔદ્યોગિક ઈકોસીસ્ટમનો લાભ કંપનીને પ્રાપ્ત થશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. 
    મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની વિકાસશીલ અને પ્રોત્સાહક ઊદ્યોગ નીતિને કારણે હિન્દુસ્તાન ઝિંક જેવી વિશ્વખ્યાત મોટી કંપનીઓ-સાહસોએ ગુજરાતને ફેવર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે પસંદ કર્યુ છે તેનો પણ વિશેષ ઉલ્લેખ કર્યો હતો.  દક્ષિણ ગુજરાતનો દુર્ગમ વિસ્તાર તાપી જિલ્લો આદિજાતિઓના સર્વગ્રાહી વિકાસ આયોજનમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. 
    આ અગાઉ જુલાઈ-2019 માં જે.કે.પેપર્સ કંપની દ્વારા તાપી જિલ્લામાં સ્થિત પોતાની પેપર મિલ માટે રૂપિયા ૧૫૦૦ કરોડના ખર્ચે વિસ્તરણ અંગેના એમઓયુ કરવામાં આવ્યા હતા. જાન્યુઆરી-2021 સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવાનું કંપનીનું લક્ષ્ય હતું. 
પરંતુ, કંપનીએ આ કામગીરી ત્વરિત ગતિએ ઉપાડી છ મહિના અગાઉ જ કામગીરી પૂર્ણ કરી લીધી છે. પ્લાન્ટ વિસ્તરણના આ પ્રોજેક્ટના લીધે અંદાજે ૧૦૦૦થી વધુ સ્થાનિક લોકોને  રોજગારી મળશે અને વધુ ૧૦,૦૦૦ ખેડૂતોને પણ લાભ થશે.  
    હવે, આ બંને પ્રોજેક્ટથી આદિવાસી બાહુલ્યતા ધરાવતા  તાપી જિલ્લામાં સામાજિક-આર્થિક વિકાસના નવા અવસરો ઉભા થશે,  તેમજ સ્થાનિક આદિવાસી યુવાનોને મોટા પાયે રોજગારીની તકો મળશે. 
    અલ્પ કુદરતી ખનિજ સંપદા તેમજ ગીચ જંગલ-વન અને મોટા પ્રમાણમાં વનબંધુઓની વસ્તી વાળા આ આદિજાતિ પ્રદેશના સર્વાંગી વિકાસ માટે મોટાપાયે ઔદ્યોગિક વિકાસ થાય તેવી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની પ્રતિબદ્ધતા છે. 
    તાપી જિલ્લામાં સ્થપાનારા આવા મોટા સાહસોથી વિશાળ સંખ્યામાં રોજગાર અવસર મળવા સાથે આ સમગ્ર આદિજાતિ જિલ્લાના સામાજિક-આર્થિક ઉત્થાનની નવી દિશા ખૂલતાં મુખ્યમંત્રીશ્રીની વનબંધુ વિકાસની સંવેદનશીલતા સાકાર થશે. 
    અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, હિન્દુસ્તાન ઝિંક ભારતની સૌથી મોટી અને વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી ઝિંક લીડ માઇનર કંપની છે. 
    નવિન ટેકનોલોજી-ઇનોવેશનથી દુર્લભ કુદરતી સંશાધનોના સંરક્ષણનો પ૦ થી વધુ વર્ષનો વિશાળ અનુભવ પણ આ સાહસ ધરાવે છે. 
    મુખ્યમંત્રીશ્રી સમક્ષ આ MoU સાઇનીંગ વેળાએ મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમ, ઇન્ડેક્ષ્ટ-બી ના એમ.ડી. નિલમ રાની તથા રાજ્ય સરકારના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 
    વેદાન્તા લિમિટેડના ફાઉન્ડર અને નોન-એકઝીકયુટિવ ચેરમેન શ્રી અનિલ અગ્રવાલ અને સી.ઇ.ઓ. શ્રી સુનિલ દુગ્ગલ વિડીયો કોન્ફરન્સ માધ્યમથી સહભાગી થયા હતા. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *