સુરત ખાતે ૨૧ વર્ષની નાની વયે પ્લાઝમા ડોનેટ કરી યુવાઓની પ્રેરણાસ્ત્રોત બની જાનકી કળથીયા.

દાતાઓની ભૂમિ સૂરતમાં કોરોના સામેના જંગમાં લડવા માટે સેંકડો પ્લાઝમા ડોનરો આગળ આવી રહયા છે. જેમાં સુરતની ૨૧ વર્ષીય દિકરી જાનકી કળથીયા સૌથી નાની વયની યુવા મહિલા પ્લાઝમા ડોનર બની છે. અત્યાર સુધી સૂરતમાં કુલ ૬૯૦ લોકોએ પ્લાઝમા ડોનેટ કર્યા છે જેમાં જાનકી કળથીયાએ ત્રીજા નંબરની મહિલા ડોનર બની છે. અગાઉ સિવિલ હોસ્પિટલમાં ૨૭ વર્ષીય ડો.શ્વેતા કુમાર અને ૨૮ વર્ષીય શૈલી મહેતાએ પ્લાઝમાં ડોનેટ કર્યા હતા.


રાજ્યમાં સૌથી વધુ પ્લાઝમા દાન કરવામાં સુરતીઓ અગ્રેસર છે. આ સિદ્ધિરૂપ યશકલગીમાં જાનકી કળથીયાએ વધુ એક છોગું ઉમેર્યું છે. સમાજ તથા અન્ય યુવા મહિલાને ડોનેટ કરવાની પ્રેરણા પુરી પાડી જાનકી અઠવાલાઈન્સ સ્થિત બી.આર.સી.એમ. કોલેજમાં બી.બી.એ.ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. ૧૫ દિવસ બાદ બીજી વાર પ્લાઝમા ડોનેટ કરવાનો પણ તેણે સંકલ્પ કર્યો છે.
મૂળ બોટાદ જિલ્લાના વતની અને હાલ વેડ રોડ સ્થિત કેન્સર હોસ્પિટલ પાસે ન્યાલકરણ સોસાયટીમાં રહેતાં જાનકી અશ્વિનભાઈ કળથીયાને પ્લાઝમા દાન માટે તેના મામા મહેશભાઈ ચમારડીએ પ્રેરણા આપી હતી. આ અંગે મહેશભાઈએ કહ્યું કે, તાજેતરમાં મારા મિત્ર દર્શનભાઈ સલીયાએ મને એન્ટી બોડી ટેસ્ટ અંગે વિગતો આપીને કોરોનાના સામાન્ય લક્ષણો હોય અને સ્વસ્થ થયા બાદ આ ટેસ્ટ કરવાથી આપણે કોરોના સંક્રમિત થયાં હતા કે નહીં, તેમજ શરીરમાં એન્ટીબોડીની હાજરી અંગે ખ્યાલ આવી જાય છે. જો શરીરમાં એન્ટીબોડી બન્યું હોય તો કોરોનાનું ઇન્ફેકશન લાગ્યું હોવાનું સ્પષ્ટ થઈ જાય છે અને વ્યક્તિ પ્લાઝમા પણ ડોનેટ કરી શકે છે. જેથી મેં મારી ભાણેજ જાનકીનો ખાનગી લેબમાં એન્ટી બોડી ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં એન્ટીબોડી હોવાનું માલૂમ પડ્યું હતું. જાનકી પ્લાઝમા ડોનેટ કરવાં ઉત્સાહી હોવાથી અમે સ્મીમેર હોસ્પિટલની બ્લડ બેંકમાં જઈ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સ્મીમેરની પ્લાઝમા બેંકના ડો.અંકિતા શાહ અને સ્ટાફ દ્વારા અમને સંપૂર્ણ સહયોગ આપી મદદરૂપ બન્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *