ચેમ્બરની રજૂઆત ફળી, હવેથી એન્ટિજન ટેસ્ટ માટેની કીટ સુરત મહાનગરપાલિકા વિનામૂલ્યે આપશે.

ગુજરાતની ગતિશીલ સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની કેબિનેટના રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી કુમારભાઈ કાનાણીના અધ્યક્ષસ્થાને મળેલી સભામાં સુરત શહેરના મેયર ડૉ. જગદીશભાઇ પટેલ, સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાની તથા ધારાસભ્યો કાંતિભાઈ બલર, વી. ડી. ઝાલાવડિયા અને પ્રવીણભાઈ ઘોઘારીની ઉપસ્થિતિમાં આજ રોજ સાડા ત્રણ કલાકની મેરેથોન ચર્ચા બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે ફક્ત ડાયમંડ ઉદ્યોગ જ નહીં પરંતુ ડાયમંડ ઉપરાંત ટેક્સટાઇલ અને રિયલ એસ્ટેટ સહિતની સમગ્ર ઇન્ડસ્ટ્રીઝના તમામ કર્મચારીઓના એન્ટિજન ટેસ્ટ કરવામાં આવશે તથા એન્ટિજન ટેસ્ટ કરવા માટેની કીટ સુરત મહાનગરપાલિકાના દ્વારા વિનામૂલ્યે આપવામાં આવશે.

ગઇકાલે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના કાર્યવાહક પ્રમુખ દિનેશ નાવડિયાની ઉગ્ર રજૂઆત બાદ આજે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ સભામાં દિનેશ નાવડિયાએ ભારપૂર્વક રજૂઆત કરી હતી કે, સુરત મહાનગરપાલિકાના હેલ્થ સેન્ટરોમાં એવા બોર્ડ લગાવવામાં આવ્યા હતા કે હીરા ઉદ્યોગમાં કામ કરતાં કર્મચારીઓના એન્ટિજન ટેસ્ટ કરવામાં આવશે નહીં. આ બાબતની સામે તેમણે કોઈપણ કર્મચારીઓને આવો અન્યાય શા માટે? તેમ કહી તેના કારણો આપવા માટે રજૂઆત કરી હતી. ત્યારબાદ આ ચર્ચાનો દોર ખૂબ લાંબો ચાલ્યો હતો અને તમામ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓના એન્ટિજન ટેસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

લેવાયેલા નિર્ણય મુજબ, જે પેથોલોજી લેબોરેટરીએ સુરત મહાનગરપાલિકા સાથે ટેસ્ટ માટેના એમ.ઓ.યુ. સાઇન કર્યા હશે તેવી લેબોરેટરીને સુરત મહાનગરપાલિકા એન્ટિજન ટેસ્ટ માટેની કીટ વિનામૂલ્યે આપશે. લેબોરેટરીનો મિનિમમ ટેસ્ટિંગ ચાર્જ ટોકન રૂપે નક્કી કરવામાં આવશે. જે ટેસ્ટિંગ કરાવનારે આપવાનો રહેશે. આના માટે લેબોરેટરીએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જે કોઈ યુનિટ પોતાના સ્થાને પોતાના તમામ કર્મચારીઓ માટે રેપિડ ટેસ્ટ કરાવવાનું વિશેષ આયોજન કરવા ઈચ્છે તો તેમની પાસેથી સુરત મહાનગરપાલિકા ચાર્જ પેટે રૂપિયા 500 લઈને રેપિડ ટેસ્ટ કરી આપશે.

ચેમ્બર તરફથી આ નિર્ણયને દિલથી આવકારવામાં આવે છે તથા ચેમ્બર વ્યાજબી માંગણીના તુરંત સ્વીકાર માટે તમામને અભિનંદન પણ પાઠવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *