રાજ્યમાં વરસાદી માહોલને ધ્યાને લઇને આવતીકાલથી શરૂ થતી મગફળીની ટેકાના ભાવે ખરીદી ટૂંક સમય માટે મુલત્વી : કૃષિ મંત્રી શ્રી આર.સી.ફળદુ

કૃષિ મંત્રી શ્રી આર.સી.ફળદુ અને અન્ન નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશ રાડદિયાએ એ જણાવ્યું છે કે,  ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે આજે વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્યભરમાં આવતીકાલથી શરૂ થનાર મગફળીની ટેકાના ભાવે ખરીદી વરસાદી માહોલ અને ભેજવાળા વાતાવરણના કારણે ટૂંક સમય માટે મુલત્વી રાખવામાં આવી છે. આ ખરીદી આગામી તા. ૨૬મી ઓક્ટોબરથી કરાશે.

મંત્રીશ્રીઓએ ઉમેર્યુ કે, રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે અને હાલ રાજ્યમાં ભેજવાળુ વાતાવરણ અને વરસાદી માહોલને પરિણામે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ખેડૂતોના હિત માટે આ મહત્વનો નિર્ણય લીધો છે. તેમણે ઉમેર્યુ કે, રાજ્યમાં ભેજવાળા વાતાવરણને પરિણામે મગફળી ભેજવાળી હોય તેથી ખેડૂતોને FAQ મુજબ ગુણવત્તા ન મળતા મગફળી રિજેક્ટ થવાની શક્યતા રહે છે. આવા સંજોગોમાં ખેડૂતોને ધક્કા ન થાય અને હેરાનગતિ ન થાય તેને ધ્યાને લઇને ખેડૂતોના હિતમાં આ મહત્વનો નિર્ણય કરાયો છે.

રાજ્યભરમાં આગામી ૨૬મી ઓક્ટોબરથી મગફળીના ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ થશે જેમાં અન્ન નાગરિક પુરવઠા નિગમ અને નાફેડના સંકલનમાં ખરીદી પ્રક્રિયા કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *