વડીલ કાંતિભાઇને કોરોનાની સારવાર દરમિયાન એટેક આવ્યો તેમ છતાં કોરોનાને હરાવ્યો

સુરતના ફ્રન્ટલાઈન કોરોના યોદ્ધાઓ દર્દીઓની સારવાર દરમિયાન ‘કોરોના સામે હારીશું, નહી પણ હરાવીશું’ એમ જણાવી આશા અને ઊર્જાનો સંચાર કરી દર્દીઓમાં નવો પ્રાંણ ફૂંકે છે. તેથી જ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફરે ત્યારે તબીબો સામે ખુશીની લાગણી વ્યક્ત કરી વંદન કર્યા વિના રહેતાં નથી. આવા જ એક કોરોનામુક્ત થયેલાં દંપતિ સજોડે ઘરે પરત ફર્યા ત્યારે તેમની આંખોમાં સ્વસ્થ થવાની ખુશી હતી. ૭૨ વર્ષીય વડીલની ચાલુ સારવારે હાર્ટ અટેક પણ આવ્યો હતો. આ પરિસ્થિતિમાં તબીબોની સુઝબુઝથી યોગ્ય સારવારથી ઊની આંચ ન આવી.
સાયણની ગોકુલપાર્ક સોસાયટીમાં રહેતા વડીલ કાંતિભાઈ પટેલ અને ધર્મપત્ની સ્મિતાબેન મૂળ આંણદના વતની છે. ઘરની છત્રછાયા સમાન માતાપિતા સ્વસ્થ થઈ પરિવારને મળ્યા ત્યારે માહોલ હતો.
કાંતિભાઇના પુત્ર ચિરાગભાઈએ જણાવ્યું કે, ‘નવી સિવિલના તબીબોનું સતત મોનિટરીંગ અને ઉમદા સારવારના કારણે મારા બુઝુર્ગ માતાપિતા હવે એકદમ સ્વસ્થ છે. પિતાને ૧૦ વર્ષથી ડાયાબિટીસ છે, તા.૧૦ સપ્ટેમ્બરે કોરોનાના લક્ષણો જણાતાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રિપોર્ટ કરાવ્યો. જે પોઝિટિવ આવતા જ ૧૦૮ એમ્બ્યુલન્સમાં સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા. આરોગ્ય વિભાગ દ્વારા ઘરના સભ્યોના રિપોર્ટ કરતા માતા સ્મિતાબેન પોઝિટીવ આવતા વેસુની સમસર હોસ્ટેલના કોવિડ કેર સેન્ટર ખાતે આઈસોલેટ કર્યા હતા. ત્યાં બે દિવસ સારવાર લઇ, સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. સિવિલમાં માતા-પિતા બંન્નેની એક સાથે સારવાર મળી. સિવિલના હેલ્પડેસ્ક પર કોલ કરીને દિવસમાં બે-ત્રણ વાર માતા-પિતાની ખબરઅંતર તબીબોને પૂછી લેતો એમ તેઓ જણાવે છે.
કોવિડ વોર્ડમાં ફરજ પરના ડો.અજય પરમારે કહ્યું કે, કાંતિભાઈ સિવિલમાં દાખલ થયા ત્યારે ઓક્સિજન લેવલ ઓછું હતું. ડાયાબિટીસની સાથે શ્વાસની તકલીફ હોવાથી ૧૫ લીટર NRBM-નોન રિબ્રિધર માસ્ક પર રાખી સારવાર શરૂ કરી હતી. તેમની ઉંમરના લીધે સારવાર દરમ્યાન હાર્ટ અટેક પણ આવ્યો હતો. જેનો ખ્યાલ ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રામ દ્વારા આવ્યો હતો. એટેક માઈનોર હોવાથી તબીબી ટીમના સતત મોનિટરિંગ હેઠળ જરૂરી દવા અને ઈન્જેકશન આપતા તેમની ઝડપી રિકવરી આવી હતી.
વરિષ્ઠ નાગરિકો કોરોના જોખમી હોવાથી દર્દીઓ માનસિક રીતે હતાંશ ન થાય તેની સિવિલ હોસ્પિટલના તબીબો અને નર્સિંગ સ્ટાફ કાળજી રાખે છે. જેના પરિણામે સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાંથી મોટી સંખ્યામાં વડીલો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *