જિલ્લા કલેકટર ધવલ પટેલના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની ઓનલાઇન બેઠક મળી.

સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલના અધ્યક્ષસ્થાને ઇ-માધ્યમથી મળી હતી.
ઓનલાઇન બેઠકમાં સાંસદશ્રીમતિ દર્શનાબેન જરદોશે ઓનલાઈન આવકના દાખલા લેવાના ટોકનનો સમયગાળો ટુંકો હોય જેથી ઓફલાઈન પણ અરજીઓ સ્વીકારવામાં આવે તથા આધાર કેન્દ્રો વધારવાની રજુઆત કરી હતી. ઓલપાડના ધારાસભ્યશ્રી મુકેશભાઇ પટેલે કીમ ખાતે રેલ્વે ઓવરબ્રિજનું કામ ઝડપી થાય તેમજ માસમા ગામે ખાળકુવા છલકાવાના કારણે તેનું પાણી આજુબાજુના ખેતરોમાં નુકશાન થઈ રહ્યાની રજુઆત સંદર્ભે કલેકટરશ્રીએ સુડાના અધિકારીઓને સ્થળ તપાસ કરી કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. આ ઉપરાંત ગોથાણ ખાતે રેલ્વે ટ્રેકની કામગીરી શરૂ હોય જેથી ગરનાળુ પહોળુ બનાવવાની રજુઆત સંદર્ભે કલેકટરશ્રીએ રેલ્વેના અધિકારીઓને સ્થળ તપાસ કરીને ગરનાળાની પહોળાઈ વધારવા જણાવ્યું હતું. ઓલપાડ તાલુકામાં ભુતિયા રેશનકાર્ડ બાબતે ધારાસભ્યશ્રીની રજુઆત સંદર્ભે કલેકટરશ્રીએ પુરવઠા અધિકારીને તપાસ કરવાના આદેશો આપ્યા હતા.
ધારાસભ્ય વિવેક પટેલે ભેસ્તાન-ગોવાલકની પાવરની લાઈનને અડરગ્રાઉન્ડ કરવા, નમી ગયેલા વીજથાભલાઓની મરામત કરવા અંગે તેમજ ઉધના બસ ડેપોને રી- ડેવલપ કરવા અંગેની રજુઆતો કરી હતી. કલેકટરશ્રીએ યોગ્ય કરવા અધિકારીઓને જણાવ્યું હતું.
ભાગ-૧ની બેઠકમાં કલેકટરશ્રીએ વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવતી કામગીરીની વિગતો સી.એમ.ડેસબોર્ડ પર અદ્યતન કરવા જણાવ્યું હતું. સરકારના વિવિધ વિભાગોમાં નાગરિક અધિકાર પત્રની બાકી અરજીઓ, બાકી પેન્શન કેસો, ઓડીટ એ.જી.પેરાની પૂર્તતા અંગે વિસ્તૃત સમીક્ષા કરી લોકોની પડતર અરજીઓનો ઝડપભેર ઉકેલ કરી સરકારી નાણાં વસુલાતને વધુ વેગવાન બનાવવા સંબંધિત અધિકારીઓને ભારપૂર્વક જણાવ્યું હતું.
ઓનલાઈન બેઠકમાં સાંસદ શ્રીમતિ દર્શનાબેન જરદોશ, ધારાસભ્યસર્વશ્રી વિવેકભાઈ પટેલ, અરવિંદ રાણા તેમજ વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *