વરાછા બેન્ક દ્વારા કર્મચારીનું નિધન થતાં મૃતકના પરિવારને કુલ રૂા.૩૩.૫૬ લાખની વિમા સહાય અર્પણ કરાઈ

સુરતની અગ્રણી સહકારી બેન્કે બ્રેઈન ટ્યુમરથી અવસાન પામેલા તેમના ૨૮ વર્ષીય યુવા કર્મચારી સ્વ.તેજેન્દ્રભાઈ ધીરૂભાઈ ભુવાના પરિવારજનોને વરાછાબેંકના સ્થાપક ચેરમેનશ્રી પી.બી.ઢાંકેચા અને ચેરમેનશ્રી કાનજીભાઈ ભાલાળાના હસ્તે રૂા. ૨૫ લાખના વિમા સહિત વિવિધ સુરક્ષા વિમા યોજના હેઠળના કુલ રૂા.૩૩.૫૬ લાખની સહાયના ચેક અર્પણ કરાયા હતાં. 
                વરાછાબેંકના સ્થાપના દિન-૧૬મી ઓકટો.ના રોજ સરથાણા શાખા ખાતે આયોજિત ચેક અર્પણ કાર્યક્રમમાં મૃતક તેજેન્દ્રભાઈના માતાપિતા અને બે બહેનોને બેન્કના હોદ્દેદારોએ   ‘કર્મચારી પરિવાર સુરક્ષા યોજના’ હેઠળ ચેક અર્પણ કરી માનવીય સંવેદના દર્શાવી હતી. ખૂબ સામાન્ય સ્થિતિ ધરાવતા મૂળ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ખડાધાર ગામમાં રહેતાં ખેડૂતશ્રી ધીરુભાઈ ભુવાના એકના એક પુત્ર તેજેન્દ્રનું ગત તા.૨૨મી ઓગસ્ટના રોજ નિધન થતાં માતાપિતા નોંધારા થઈ ગયાં છે, ત્યારે પરિવારની દુઃખની ઘડીમાં અને ભુવા પરિવારના સુરક્ષિત ભવિષ્ય માટે બેંક તરફથી લેવામાં આવેલી વિમા પોલિસીના રૂા.રપ લાખ, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજનાના રૂા.૨ લાખ, મેડિકલેઈમના રૂા.૦૩ લાખ તેમજ ગ્રેજયુઈટી સ્કીમના રૂા.૩.૫૬ લાખ મળી કુલ રૂા.૩૩.૫૬ લાખની રકમનો ચેક આજે ભુવા પરિવારને અર્પણ કરી વરાછાબેંકે પરિવારને આર્થિક સુરક્ષા પુરી પાડી છે. 
              આ વેળાએ બેંકના ચેરમેનશ્રી કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યુ હતું કે, અમારા મૃતક કર્મચારીના પરિવારને પડેલી ખોટ પુર્ણ નહિ કરી શકીએ, પરંતુ વરાછા બેંક પરિવાર દ્વારા આર્થિક વિમા સ્વરૂપે આજે રૂા.૨૫ લાખની વિમા સહાય આપી તેમને સલામત ભવિષ્યની ભેટ આપીને મદદ કરવાનો સંતોષ છે. બેંક દ્વારા પટ્ટાવાળા-ડ્રાઈવર અને કલાર્ક માટે રૂા. ૨૫ લાખ, ઓફિસર માટે રૂા.૫૦ લાખ અને ઉચ્ચ અધિકારીઓ માટે રૂા.એક કરોડનું વિમા કવચ લીધુ છે. બેકિંગ સેવા સાથે પ્રત્યેક કર્મચારીઓની કાળજી અને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવામાં બેંક હંમેશા અગ્રેસર રહી છે. ૧૧૧ સફાઈકર્મીઓનું સન્માન, ૭૧ પ્લાઝમા ડોનેશન,૨૦૦ ગંગાસ્વરૂપ બહેનોને રાશનકીટ, પોલિસ જવાનોને માસ્ક વિતરણ સહિતના સમાજઉપયોગી કાર્યોની તેમણે વિગતો આપી હતી. 
              આ સાથે, રાજ્યની ટોપ ૧૦ માં સ્થાન પામેલી વરાછાબેંકના ૨૬મા વર્ષમાં મંગલપ્રવેશ પ્રસંગે રક્તદાન સપ્તાહ યોજી ૧૨૮૧ યુનિટ રક્ત એકત્ર કરાયું હતું. 
             સદ્દગત તેજેન્દ્રના પરિવારને સ્મૃતિભેટ અર્પણ કરી બે મિનિટનું મૌન પાળી ભાવાંજલિ આપવામાં આવી હતી. બેંકના જનરલ મેનેજરશ્રી વિઠ્ઠલભાઈ ધાનાણીએ આવકાર સાથે બેંક કર્મચારીઓ માટે મોટી રકમની વિમા સુરક્ષા યોજના બેન્કિંગ ક્ષેત્રમાં એકમાત્ર પહેલ હોવાનું  જણાવી બેંકના બોર્ડનો આભાર પ્રગટ કર્યો હતો. 
                આ પ્રસંગે બેન્કના સ્થાપક ચેરમેનશ્રી પી.બી.ઢાંકેચા, લોકસમર્પણ બ્લડ બેંકના પ્રમુખશ્રી હરિભાઈ કથીરીયા, ડાયમંડ હોસ્પિટલ સમિતિના ચેરમેનશ્રી સી.પી.વાનાણી, એમ.ડી. શ્રી ભવાનભાઈ નવાપરા, વાઈસ ચેરમેનશ્રી પ્રભુદાસભાઈ ટી.પટેલ, બેન્કના પૂર્વ જનરલ મેનેજર શ્રી એ.ડી.ભલાણી સહિત ડિરેકટર્સ તથા બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો હાજર રહ્યાં હતા. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *