ડ્રિપ ઈરીગેશન યોજનાની રૂા.૭૫ હજારની સહાય થકી ઉમરપાડાના નસારપુરના ખેડુતે એક હેકટરમાં ૬૦૦ મણ કોબીજ પકવી.

રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા ખેતીને લગતી અનેકવિધ યોજનાઓ અમલી છે. ખેડૂત આ યોજનાઓનો બહોળા પ્રમાણમાં લાભ લઇ આજે ખેતી ક્ષેત્રે આગળ વધી દેશના અર્થતંત્રને વેગવાન બનાવવા મહત્વનું યોગદાન આપી રહ્યા છે.
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના નસારપુર ગામ ખાતે રહેતા ૪૦ વર્ષીય ખેડૂત જીતુભાઈ રૂપસિંગભાઈ વસાવાએ એક હેકટર જમીનમાં કોબીજનું વાવેતર કરી ૬૦૦ મણ કોબીજનું ઉત્પાદન કરીને અન્ય ખેડુતોને પ્રેરણા પુરી પાડી છે.
જીતુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, કોબીજની ખેતી કરવા નવી પધ્ધતિ અપનાવી હતી. જેમાં પાણી માટે ટપક પદ્ધતિ અપનાવી તેમજ કોબીજનું સારી એવી ઇન્દુ જાતિનું બિયારણ અને વોટર સોલ્યુબલ ખાતર, વેસ્ટ ડિકમ્પોસ્ટર, વર્મીકોમ્પોસ્ટ જેવી બાબતોમાં બદલાવ કર્યો હતો તેમજ ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ નહીવત કરી સેન્દ્રિય ખાતરમાં મુખ્યત્વે અળસીયાના ખાતરનો ઉપયોગ વધારે કર્યો હતો જેના પરિણામે ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો થયો છે.
જીતુભાઈ વસાવા વધુમાં જણાવે છે, કોબીજનું એક હેકટરમાં વાવેતર કર્યું હતું. મણદીઠ રૂા.૧૭૦નો ભાવ મળતા એક લાખની આવક થઈ છે. જેમાં બિયારણ, દવા, ખાતર અને મજુરી મળી રૂ.૨૦ હજારનો ખર્ચ બાદ કરતા ચોખ્ખો નફો રૂ. ૮૨ હજાર થયો છે.
રાજય સરકારનો ઋુણ સ્વીકાર કરતા જીતુભાઇ કહે છે કે, બાગાયતી ખાતાના અધિકારીઓ દ્વારા સમયસર જરૂરી માર્ગદર્શન મળી રહેવાથી યોજનાઓનો લાભ પ્રાપ્ત થયો છે. સરકારની સહાય સાથે મારી મહેનત ફળી અને મારી આર્થિક સ્થિતિમાં પણ ઘણો સુધારો થયો છે. રાજ્ય સરકારનો અને બાગાયત વિભાગના સૌ અધિકારીઓનો આભાર વ્યક્ત કરું છુ.
બાગાયત વિભાગના નાયબ નિયામકશ્રી દિનેશ પડાલિયા જણાવે છે કે, બાગાયત વિભાગ દ્વારા જીતુભાઈ વસાવાને કોબીજ ઉત્પાદનના હાઈબ્રીડ બિયારણ માટે અનુસુચિત જનજાતિ માટે કેન્દ્ર સરકાર પુરસ્કૃત નેશનલ હોર્ટીકલ્ચર મિશન HRT-૧૪ યોજના અંતર્ગત રૂ.૧૨ હજાર તથા વોટર સોલ્યુબલ ખાતર માટે HRT-૩ અંતર્ગત રૂ.૧૦ હજારની સહાય એક હેકટર જમીન વિસ્તાર માટે આપવામાં આવી હતી. શ્રી પડાલીયા વધુમાં જણાવે છે કે, ઉમરપાડા વિસ્તારમાં પાણીની સમસ્યા હોવાના કારણે બાગાયત ખાતા તરફથી ડ્રીપ ઈરીગેશન માટે પાણીનો ટાંકો બનાવવા માટે પણ HRT-૩ અંતર્ગત રૂ. ૭૫,૦૦૦ ની સહાય આપવામાં આવી હતી. જેથી તેમને ખેતી ખર્ચમાં સારી એવી રાહત થઇ છે.
આમ, રાજય સરકાર ખેડૂતો વધુ આવક મેળવી સ્વનિર્ભર બને તે માટે સતત પ્રયત્નશીલ છે. જેના સારા પરિણામો મળી રહયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *