પ્રધાનમંત્રી MoHUA દ્વારા યોજનારા વર્ચ્યુઅલ કાર્યક્રમ “સ્વચ્છ મહોત્સવ” દરમિયાન સ્વચ્છ સર્વેક્ષણ 2020ના પરિણામોની જાહેરાત કરશે.

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગુરુવારે એટલે કે 20 ઑગસ્ટ, 2020ના રોજ સવારે 11 વાગે સ્વચ્છ સર્વેક્ષણ 2020ના પરિણામોની જાહેરાત કરશે. દેશમાં વાર્ષિક સ્વચ્છતા સર્વેનું આ પાંચમુ સંસ્કરણ છે.“સ્વચ્છ મહોત્સવ” નામના આ કાર્યક્રમમાં સૌથી શ્રેષ્ઠ કામગીરી કરનારા ટોચના શહેરો અને રાજ્યોને કુલ 129 પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવશે.

આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી દેશભરના અલગ-અલગ ભાગોમાંથી પસંદ કરવામાં આવેલા કેટલાક લાભાર્થીઓ, સ્વચ્છાગ્રહીઓ અને સફાઇ કર્મચારીઓ સાથે સ્વચ્છ ભારત મિશન – શહેરી (SBM-U) અંતર્ગત વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કરશે.પ્રધાનમંત્રી આ પ્રસંગે સ્વચ્છ સર્વેક્ષણ 2020ના પરિણામોના ડેશબોર્ડનો પણ શુભારંભ કરશે.

સ્વચ્છ સર્વેક્ષણ 2020 એ દુનિયાનો સૌથી મોટો સ્વચ્છતા સર્વે છે, જેમાં કુલ 4242 શહેરો, 62 કેન્ટોન્મેન્ટ બોર્ડ અને 92 ગંગા નગરોને તેમની કામગીરી અનુસાર ક્રમ આપવામાં આવે છે અને તેમાં અભૂતપૂર્વરૂપે 1.87 કરોડ લોકોની ભાગીદારી નોંધાઇ છે.આ કાર્યક્રમનું આયોજન ભારત સરકારના કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA) દ્વારા કરવામાં આવ્યું છે.

સ્વચ્છ સર્વેક્ષણની શરૂઆત સ્વચ્છતાના મિશનમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકોની સહભાગીતાના ઉદ્દેશ સાથે કરવામાં આવી હતી, જેમાં ભારતના સૌથી સ્વચ્છ શહેર તરીકે બહુમાન મેળવવા માટે શહેરો વચ્ચે મજબૂત સ્પર્ધાની લાગણી પણ સામેલ કરવામાં આવી છે.

MoHUA દ્વારા જાન્યુઆરી 2016માં 73 મુખ્ય શહેરોને રેન્કિંગ આપવા માટે સ્વચ્છ સર્વેક્ષણ 2016નું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જાન્યુઆરી- ફેબ્રુઆરી 2017માં 434 શહેરોને રેન્કિંગ આપવા માટે સ્વચ્છ સર્વેક્ષણ 2017નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છ સર્વેક્ષણ 2018માં 4203 શહેરોને રેન્કિંગ આપવામાં આવ્યું હતું જ્યારે સ્વચ્છ સર્વેક્ષણ 2019માં 4237 શહેરોને સમાવી લેવામાં આવ્યા હતા અને તે ઉપરાંત પોતાની રીતે સૌપ્રથમ એવા સંપૂર્ણપણે ડિજિટલ સર્વેને માત્ર 28 દિવસના વિક્રમી સમયમાં જ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *