પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંદામાન અને નિકોબાર ટાપુ સુધી સબમરીન કેબલ કનેક્ટિવિટી (CANI) નો પ્રારંભ કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંદામાન અને નિકોબારના ટાપુઓને મુખ્ય ભૂપ્રદેશો સાથે જોડતા સબમરીન ઓપ્ટિકલ ફાઇબર કેબલ (OFC)નો વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રારંભ કરીને આ પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરી હતી. 30 ડિસેમ્બર, 2018ના રોજ પોર્ટબ્લેર ખાતે પ્રધાનમંત્રીએ આ પરિયોજનાનો શિલાન્યાસ કર્યો હતો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આ કનેક્ટિવિટી હવે આ ટાપુઓ પર અનંત નવી તકો ઉભી કરશે. તેમણે કહ્યું હતું કે, 2300 કિમી લાંબો સબમરીન કેબલ નાખવામાં આવ્યો તેમજ નિર્ધારિત સમય પહેલાં જ આ કામ પૂરું કરવામાં આવ્યું તે ખરેખર પ્રશંસનીય કામગીરી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ચેન્નઇથી પોર્ટબ્લેર, પોર્ટબ્લેરથી લિટલ આંદામાન અને પોર્ટબ્લેરથી સ્વરાજ ટાપુ પર મોટા હિસ્સામાં આજથી સેવાની શરૂઆત થઇ છે.

દરિયાની અંદર 2300 કિલોમીટર લાંબો કેબલ નાંખવાની કામગીરીની ખૂબ પ્રશંસા કરતા કહ્યું હતું કે, ઊંડા દરિયામાં સર્વે, કેબલની ગુણવત્તા એકધારી જાળવી રાખવી અને વિશેષ નૌકાઓનો ઉપયોગ કરીને કેબલ નાંખવા એ કોઇ સહેલું કામ નથી. આ પરિયોજના આડે ઊંચા સમુદ્રી મોજા, ભરતી, તોફાનો અને ભારે ચોમાસુ તેમજ કોરોના મહામારીના કારણે ઉભા થયેલા કઠિન સમય તેવા ઘણા પડકારો હતા જેમાંથી તેમણે બહાર આવીને કામ કરવાનું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં વર્ષોથી જરૂરિયાત વર્તાતી હતી, પરંતુ તે પૂરી કરવા માટે અત્યાર સુધી કોઇ પગલાં લેવામાં આવ્યા નહોતા. મોટા પડકારો વચ્ચે પણ આ પરિયોજના પૂરી કરવામાં આવી તે અંગે શ્રી મોદીએ ઘણી ખુશી વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આંદામાન અને નિકોબારના ટાપુઓ પર વસતા લોકો માટે સારી અને સસ્તી કનેક્ટિવિટી પૂરી પાડવી તે દેશની જવાબદારી છે. આ પરિયોજના સાથે સંકળાયેલા તમામ લોકોને તેમણે અભિનંદન પાઠવ્યા હતા. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, સબમરીન કેબલ, આંદામાન અને નિકોબારના ટાપુઓ દિલ્હીથી અને મુખ્ય ભૂપ્રદેશના લોકોના દિલથી દૂર નથી તે પુરવાર કરવાની દિશામાં એક પ્રયાસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *