કોરોનાની બીજી લહેરમાં ઔધોગિક એકમોના ઓક્સિજન વપરાશ પર કાપ મૂકીને પણ હોસ્પિટલમાં ઓક્સિજન પહોંચાડી દર્દીઓના જીવ બચાવ્યા : નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ
અમદાવાદ પૂર્વ વિસ્તારની કાકડીયા અને કોઠિયા હોસ્પિટલમાં PSA ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રી શ્રી
……………………
રાજ્યની ધાર્મિક અને સેવાભાવી સંસ્થાઓ, ખાનગી કંપનીઓના સહયોગથી કોરોના સામે નિયંત્રણ મેળવવામાં સફળતા મળી છે
……………………
ટ્રસ્ટ,સેવાભાવી સંસ્થાઓના લોકકલ્યાણના કાર્યોમાં મદદરૂપ થવા રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે 50 લાખથી 2 કરોડ સુધીની ગ્રાન્ટ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે
…………………..
નાયબ મુખ્યમંત્રીશ્રી ના હસ્તે કોરોના વોરીયર્સનું સન્માન કરવામાં આવ્યું

કોરોનાની પ્રથમ લહેરની સાપેક્ષે બીજી લહેર અત્યંત જોખમી અને ભયાવહ સાબિત થઇ હતી.પ્રથમ લહેરની સરખામણીમાં બીજી લહેરના પરિણામો અત્યંત જોખમી જોવા મળ્યા હતા બીજી લહેર પૂર્વે રાજ્યમાં 20 થી 25 ટન જેટલી રહેતી ઓક્સિજનની વપરાશ બીજી લહેરમાં 1250 મેટ્રીક ટન સુધી પહોંચી હતી. આ પરિસ્થિતિઓમાં દર્દીઓના જીવને ગમે તે ભોગે બચાવવા રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ઔધોગિક એકમોના ઓક્સિજન વપરાશ પર કાપ મૂકીને પણ હોસ્પિટલમાં ઓક્સિજન ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો તેમ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતુ.
નાયબ મુખ્યમંત્રી શ્રી એ આ વાત અમદાવાદ પૂર્વ વિસ્તારની કાકડિયા હોસ્પિટલ અને કોઠિયા હોસ્પિટલમાં નવનિર્મિત PSA ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે કહી હતી.
નાયબ મુખ્યમંત્રીશ્રી એ એમ પણ કહ્યું કે, કોરોનાની બીજી લહેર દરમિયાન સરકારની સાથો સાથો ધાર્મિક અને સેવાભાવી સંસ્થાઓએ પણ કદમ થી કદમ મિલાવીને કોરોનાનો સામનો કરવામાં મદદ કરી હતી.જેના પરિણામ સ્વરૂપ જ આજે કોરોનાની પરિસ્થિતિ ઉપર નિયંત્રણમાં મેળવવામાં સફળતા મળી છે.
રાજ્ય સરકારે પણ સેવાભાવી સંસ્થાઓ દ્વારા જનહિતલશ્રી પ્રજાકલ્યાણના કામગીરીની નોંધ લઇને આવી સંસ્થાઓને 50 લાખ થી 2 કરોડ સુધીની ગ્રાન્ટ સેવાકીય કાર્યો માટે ફાળવવાની જોગવાઇ કરવામાં આવી છે. આ ગ્રાન્ટ સેવાભાવી સંસ્થાઓને સરકાર દ્વારા દર વર્ષે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી હોવાનું નાયબ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતુ.
નાયબમુખ્યમંત્રી એ જણાવ્યું કે, રાજ્ય સરકારની સોલા સિવિલ , સિવિલ મેડિસીટીની વિવિધ હોસ્પિટલમાં પ્રતિદિન 10 હજાર જેટલા દર્દીઓ ઓ.પી.ડી.ની મુલાકાત લે છે. જ્યાં સમગ્ર સારવાર નિ:શૂલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ સદંર્ભે રાજ્યના વિવિધ સ્થળોએ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા કાર્યરત હોસ્પિટલમાં પણ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી હોવાનું જણાવી હોસ્પિટલની કામગીરીને બિરદાવી હતી.
રાજ્યને કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સિજનનો પુરવઠો માંગ આધારિત નિયમિત પણે મળી રહે તે માટે ગુજરાતના પનોતા પુત્રો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી, ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહ અને આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયાએ નાગરિકો પ્રત્યે સંવેદનશીલતા દાખવીને હરહંમેશ મદદ કરી હતી.
બીજી લહેરમાં ગુજરાત રાજ્યને વિવિધ ખાનગી કંપનીઓ દ્વારા પણ ઓક્સિજનનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો.જે કારણોસર જ ગુજરાત રાજ્યમાં ફક્ત ઓક્સિજનના અભાવે કોઇપણ દર્દીનું મૃત્યુ થયુ હોય તેવો બનાવ બન્યો ન હોવાનું નાયબ મુખ્યમંત્રી શ્રી એ ઉમેર્યુ હતુ.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પણ રાજ્યના નાગરિકોની આરોગ્ય સુખાકારીની દરકાર કરીને પ્રધાનમંત્રી કેર ફંડ માંથી ઓક્સિજનનો જથ્થો અને વેન્ટિલેટર્સ, જૂદી-જૂદી કંપનીઓના સહયોગથી ઓક્સિજન ટેંક અથવા ઓક્સિજન પ્લાન્ટ, સેવાભાવી સંસ્થાઓના સહયોગથી પણ ઓક્સિજન ટેંક અને કોન્સનટ્રેટર્સ, વિદેશમાં વસતા ગુજરાતીઓના સહયોગથી ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ રાજ્યને ઉપલબ્ધ થઇ રહ્યા છે. જે કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે અને સામાન્ય દિવસોમાં પણ દર્દીઓની સ્વાસ્થ્ય સુવિધાઓમાં લાભદાયી નિવડશે.
રાજ્ય સરકાર દ્વારા કોરોનાની બીજી લહેરની તમામ પરિસ્થિતિઓનું આંકલન કરીને કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટેની સંપૂર્ણ તૈયારી દર્શાવી તમામ આરોગ્યવિષયક સેવાઓ, સુવિધાઓની સજ્જતા પૂર્ણ કરી છે.
રાજ્યભરમાં વિવિધ હોસ્પિટલમાં હવામાંથી પણ શુધ્ધ ઓક્સિજન ખેંચી શકાય તે માટેના PSA પ્લાન્ટ પણ સ્થાપવામાં આવી રહ્યા છે. રાજ્યમાં 400 મેટ્રિક ટન જેટલા ઓક્સિજનનો જથ્થો પ્રતિદિન પ્રાપ્ત થઇ શકે તે માટેનું સુદ્રઢ આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.