આદિવાસીઓના સામાજિક અને શૈક્ષણિક વિકાસ માટે રાજય સરકાર કટિબધ્ધઃસમિતિના અધ્યક્ષ નરેશભાઈ પટેલ
કાકરાપાર-ગોડધા- વડ ઉદ્દવહન સિંચાઈ યોજનાથી માંગરોળ અને ઉમરપાડા વિસ્તારના ૮૯ ગામોના ૨૯,૦૦૦ આદિવાસી ખેડુતોને સિંચાઈનો લાભ મળ્યો છેઃ
સમિતિના સભ્યોએ ખેડુતો સાથે લાગણીસભર સંવાદ કર્યોઃઅમારા વડવાઓએ જોયેલા સ્વપ્નાઓ સાકાર થયા છેઃ સિંચાઈની સુવિધા પ્રાપ્ત કરતા ખેડુતો

સુરતઃગુરૂવારઃ- વિધાનસભાની અનુસૂચિત જન જાતિ કલ્યાણ સમિતિના અધ્યક્ષશ્રી નરેશ પટેલની આગેવાની હેઠળ સમિતિમાં સમાવિષ્ટ ધારાસભ્ય સર્વશ્રી અભેસિંહ તડવી, વિજયભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, જીતુભાઈ ચૌધરીએ આજરોજ માંડવી તાલુકાના ગોડધા પમ્પીંગ સ્ટેશન ખાતે કાકરાપાર-ગોડધા-વડ ઉદ્દવહન સિંચાઈ યોજનાની મુલાકાત લઈ લાભાર્થી આદિવાસી ખેડુતો સાથે સંવાદ કર્યો હતો.
આ વેળાએ અધ્યક્ષશ્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, આદિવાસીબાંધવોના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસની સાથે સમગ્રતયા જીવનધોરણમાં આમૂલ પરિવર્તન આવે તે માટે રાજય સરકાર કટિબધ્ધ છે. છેવાડાના આદિવાસી ખેડુતોને સિંચાઈની સુવિધા મળી રહે તે માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજય સરકારે ૫૧૧ કરોડના ખર્ચે કાકરાપાર-ગોડધા-વડ ઉદ્દહવન સિંચાઈ યોજનાને સાકારિત કરી છે તેના કારણે આ માંડવી અને માંગરોળ તાલુકાના ૮૯ ગામોના ૨૯,૦૦૦ ખેડુતોને સીધો ફાયદો થયો છે. ખેડુતોને મળેલા પાણીરૂપી પારસમણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીને ડ્રીપ ઈરીગેશન પધ્ધતિની ખેતી કરીને આવનારા દિવસોમાં સમૃધ્ધ બનવાનો અનુરોધ શ્રી પટેલે કર્યો હતો. સિંચાઈની મંડળીઓના અગ્રણીઓને કહ્યું કે, મોટુ મન રાખીને અદના માનવીઓને સિંચાઈનું પુરતુ પાણી મળી રહે તે માટે કાળજી લેવા જણાવ્યું હતું. શ્રી પટેલે રાજય સરકારની યોજનાઓનો સરળતાથી લાભ મળી રહે તે માટે દરેક આદિવાસી ખેડુતોએ પોતાની વારસાઈ કરાવીને ૭/૧૨માં કુટુંબના તમામ નામો દાખલ કરાવી લેવાની શીખ આપી હતી. આજના યુગમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેતી કરવા તેમજ દીકરીઓને ભણાવવાની અપીલ શ્રી પટેલે કરી હતી.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, કરોડોના ખર્ચે નિર્માણ થયેલી કાકરાપાર-ગોડધા ઉદ્દવહન સિંચાઇ યોજનાને કારણે હજારો આદિવાસી ખેડુતોને સિંચાઈ માટેનું પાણી મળ્યું છે. આગામી સમયમાં તેમના જીવનમાં પરિવર્તન આવશે ત્યારે દરેક ખેડુતો પાણીનો કરકસરયુકત ઉપયોગ કરીને જીવન સમૃધ્ધિમય બનાવે તેવી હિમાયત તેમણે કરી હતી.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા સિંચાઈ વિભાગના અધિક્ષક ઈજનેરશ્રી એસ.આર.મહાકાલે કાકરાપાર તથા ઉકાઈ ડેમના નિર્માણથી લઈને ઉદ્દવહન યોજનાથી લાભાન્વિત થયેલા ગામોની વિગતો આપીને ખેડુતોને કોઈ સુચનો હોય તો સમિતિને ધ્યાને મુકવા જણાવ્યું હતું.
આ વેળાએ સમિતિ સાથે સંવાદ કરતા વડ ગામના સરપંચશ્રી ભુપેન્દ્રભાઈ ચૌધરીએ જણાવ્યું કે, ઉનાળા દિવસોમાં અમારા વિસ્તારમાં પાણી સમસ્યા રહેતી હતી. આ યોજનાથી અમારા ગામ-વાડીની કોતરો સજીવન થઈ છે. પાણીના તળ ઉચા આવતા અમારા સુકાયેલા બોરમાં પાણી આવ્યું છે. કલમકુવા ગામના ધનજીભાઈ ચૌધરીએ જણાવ્યું કે, અમારા વડવાઓએ જોયેલા સ્વપ્નાઓ આ સરકારે સાકાર કર્યા છે. આ યોજનાના નિર્માણ માટે પાઈપલાઈનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી ટુંકી જમીન ધરાવતા આદિવાસી ખેડુતોની જમીનો કપાત થઈ નથી. કોતરોમાં નવા નીર આવ્યા હોવાથી જેમ બેંકમાં નાણા ફિકસમાં મુકીએ તેમ આ યોજનાથી અમોને ફિકસ ડિપોઝીટ મળી હોવાનું તેમણે ગર્વભેર જણાવ્યું હતું. આવી રીતે ગામતળ ગામના મગનભાઈ ચૌધરી, લાડકુવાના પ્રેમલભાઈ ચૌધરી, જેરામભાઈ ચૌધરીએ વર્ષોના સ્વપ્નાઓ સાકાર થયા હોવાની લાગણી વ્યકત કરી હતી.
આ વેળાએ સમિતિના ઉપસચિવશ્રી વી.એમ.રાઠોડ, વ્યારા સિંચાઈના કાર્યપાલક ઈજનેરશ્રી પ્રતાપસિંહ વસાવા, ઈજનેરશ્રી એસ.કે.ગામીત, કે.એચ.ચૌધરી તેમજ લાભાર્થી ગામોના ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા.