નાગરિકોને સલામત સમયસર અને પર્યાવરણ પ્રિય બસ સેવા ઉપલબ્ધ કરાવવી એ અમારી પ્રથમ પ્રાથમિકતા : મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી.

ગુજરાતના નાગરિકોને સલામત, સમયસર અને પર્યાવરણપ્રિય અવિરત S.T. બસ સેવા ઉપલબ્ધ કરાવવી એ ગુજરાત સરકારની પ્રથમ પ્રાથમિકતા રહી છે તેમ આજે મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ ૧૦૧ બસોના ઇ-લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના હસ્તે આજે રાજ્ય સરકારની સહાયથી પ્રથમવાર સંચાલનમાં મુકાનાર પર્યાવરણપ્રિય BS-6 એમિશન નોર્મ્સ ધરાવતી ૧,૦૦૦ બસ પૈકી પ્રથમ ચરણની ૧૦૧ બસનો ગાંધીનગરથી ઇ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરથી અને વાહન વ્યવહાર મંત્રીશ્રી આર. સી. ફળદુએ જામનગરથી મધ્યસ્થ કાર્યાલય, અમદાવાદ ખાતેથી નવીન બસોનું ઇ-પ્રસ્થાન કરાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગુજરાત એસ.ટી.એ લોકોને યાતાયાત- મુસાફરી માટે અવિરત- સલામત બસ સેવા ઉપલબ્ધ કરાવીને “સારી બસ, સારી સેવા”ના મંત્રને ચરિતાર્થ કર્યો છે. ગુજરાત બજેટમાં ૧,૦૦૦ BS-6 બસોની જોગવાઇ કરાઇ હતી જેમાં પ્રથમ તબક્કામાં આજે ૧૦૧ બસોને લોકોની સેવામાં માટે કાર્યરત કરાઇ છે. જ્યારે પર્યાવરણની ચિંતા કરીને બાકીની બસો પણ બનતી ત્વરાએ કાર્યરત કરાશે તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે કહ્યું હતું કે, લોકડાઉનના કપરા સમયમાં પણ ગુજરાત એસ.ટી. અને તેના કર્મચારીઓ ખૂબ જ ઉત્તમ સેવા બજાવી હતી જે સરાહનીય છે. ગુજરાત એસ.ટી. બસ સેવા નફા-નુકસાનની ચિંતા કર્યા વિના આ સેવા લોકહિતમાં સતત આપતું જ રહેશે. નરોડા ખાતે પણ નવી આધુનિક બસોના નિર્માણની અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, જેથી આપણી જરૂરિયાત મુજબ નવી S.T. બસ તૈયાર કરી શકીએ.
મુખ્યમંત્રીશ્રી રૂપાણી આ પ્રસંગે ગુજરાત એસ.ટી.ના દિવસ-રાત કાર્ય કરતાં કર્મયોગીઓને કોરોના વેક્સિનના બંને ડોઝ સમયસર લઈ લેવા પણ અનુરોધ કરીને આ નવીન BS-6 બસો માટે અભિનંદન પાઠવ્યા હતા.
જામનગર ખાતે ઉપસ્થિત વાહન વ્યવહાર મંત્રીશ્રી આર.સી. ફળદુએ સ્વાગત પ્રવચન કરીને ગુજરાત એસ.ટી.ની કામગીરીની માહિતી આપી હતી.
આ ઇ-લોકાર્પણ કાર્યક્રમમાં ભરૂચ ખાતેથી વાહનવ્યવહાર રાજ્યમંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ, જ્યારે ગાંધીનગર ખાતે વાહનવ્યવહાર વિભાગના ACS શ્રી કમલ દયાણી, GSRTCના MD શ્રી એસ. જે. હૈદર, ઉચ્ચ અધિકારીઓ, GSRTC મધ્યસ્થ કાર્યાલય, અમદાવાદ તેમજ રાજ્યભરની ૧૬ જેટલી પ્રાદેશિક કચેરીઓ ખાતેથી પદાધિકારીઓ- અધિકારીઓ, કર્મચારીઓ વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *