નેહરૂ યુવા કેન્દ્રના યુવાનોને દાહોદના ગામોમાં કોરોના સંદર્ભે સઘન લોકજાગૃતિ ઝુંબશ ચલાવવા આહ્વાન કરતા કલેક્ટર શ્રી વિજય ખરાડી

દાહોદના નેહરૂ યુવા કેન્દ્ર દ્વારા વાર્ષિક આયોજન સંદર્ભે જિલ્લા સલાહકાર સમિતિની બેઠક કલેક્ટર શ્રી વિજય ખરાડીની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન, દાહોદ ખાતે યોજાઇ હતી. બેઠકમાં નેહરૂ યુવા કેન્દ્ર દ્વારા ગત વર્ષની કામગીરીની સમીક્ષા અને આગામી વર્ષ માટેના આયોજન બાબતે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ નેહરૂ યુવા કેન્દ્રના યુવાનોને દાહોદના ગામડાઓમાં કોરોના સાવચેતીને લઇને જનજાગૃતિ અભિયાન ચલાવવા જણાવ્યું હતું.

         તેમણે જણાવ્યું હતું કે, નેહરૂ યુવા કેન્દ્રના યુવાનોએ પોતાના કેન્દ્રના આસપાસના ગામોને કોરોના જાગૃતિ લાવવા માટે દત્તક લઇ લેવા જોઇએ અને એ ગામોમાં સઘન લોક જાગૃતિ ઝુંબેશ ચલાવવી જોઇએ. અત્યારે દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું પ્રમાણ સારૂ એવું નિયંત્રણમાં છે. ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાને નિયંત્રણમાં રાખવા માટે નેહરૂ યુવા કેન્દ્રના યુવાનો મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ખાસ કરીને માસ્ક પહેરવા માટેની અગત્યતા, સામાજિક અંતર જાળવવાની જરૂરીયાત અને સેનેટાઇઝર જેવી બાબતોને લોકો રોજિંદા નિયમની જેમ અપનાવી લે એ દિશામાં યુવાનોએ વ્યાપક પ્રચારપ્રસાર કરવો જરૂરી છે. આ માટે આરોગ્ય વિભાગ તેમજ અન્ય વિભાગો સાથે સંકલન સાધીને તેમનો પણ સહયોગ લેવો જોઇએ જેથી વધુ સારા પરિણામો મળી શકે.

         બેઠકમાં નેહરૂ યુવા કેન્દ્રના જિલ્લા યુવા સંયોજક શ્રી અજીત જૈને વાર્ષિક આયોજન અંગે વિગતવાર માહિતી આપી હતી. બેઠકમાં અધિકારીશ્રીઓ તેમજ નેહરૂ યુવા કેન્દ્ર સાથે જોડાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *