સુરત જિલ્લામાં પ્રાકૃતિક ખેતી સાથે કૃષિક્રાંતિના મંડાણ.

ગાંધીજીની સ્વરાજની કલ્પના ગાય અને ગ્રામ આધારિત હતી. ભારતીય દેશી ગાયની માનવજીવનમાં ઉપયોગિતા વિશે વેદ-પુરાણો, ધર્મશાસ્ત્રોમાં ઉલ્લેખો છે. ભારતીય સંસ્કૃતિમાં લોકો પરંપરાગત રીતે પ્રકૃતિ તેમજ ગૌમાતાને પૂજતા આવ્યાં છે. પુરાતનકાળમાં થતી ગૌઆધારિત ખેતી આધુનિક યુગમાં પણ મૂર્તિમંત થઈ રહી છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના ૬૫ જેટલા ખેડુતોએ રાસાયણિક ખાતરોનો ત્યાગ કરીને સુભાષ પાલેકર પ્રેરિત ગાય આધારિત ઝીરો બજેટની પ્રાકૃતિક ખેતી અપનાવીને ખેતી કરવાનો પ્રારંભ કર્યો છે. રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના સરાહનીય પ્રયાસોના પરિણામે દક્ષિણ ગુજરાતના ખેડૂતોનો ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. જેના સારા પરિણામો મળી રહ્યાં છે.  
             ગૌઆધારિત પ્રાકૃતિક ખેતી થકી આમજનતાની રોગપ્રતિકારક શકિત વધારવાની સાથે કલાઇમેન્ટ ચેઇન્જ અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે. તંદુરસ્ત ધરતી અને તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણમાં પ્રાકૃતિક ખેતી રામબાણ ઇલાજ છે. 
            આજના આધુનિક યુગની ખેતીમાં ખાતર અને પાણીનો બેફામ ઉપયોગ કરવાના કારણે ધીમે ધીમે જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થતો જાય છે. ઝેરયુકત પેસ્ટીસાઈડઝના ઉપયોગથી કેન્સર, ડાયાબિટીસ જેવા ઘાતક રોગોનું પ્રમાણ પણ વધ્યું છે. તેવા સમયે ઝીરો બજેટની પ્રાકૃતિક ખેતી કરીને શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક પાકનું ઉત્પાદન લઈ શકાય છે. રાસાયણિક ખાતરો અને દવા મોંઘી અને સરવાળે હાનિકારક છે, જ્યારે પ્રાકૃતિક ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા માટે જૈવિક ખાતરો અને જીવામૃત્ત ઘરે બનાવવા બહુ જ સરળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *