પાનગલ્લાઓ પર ભીડ-ભાડ કરનારા તથા જાહેરમાં થુંકનારાઓ પર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે: બંછાનિધી પાની

સુરત શહેરમાં વધી રહેલાં કોરોના સંક્રમણને ધ્યાને લેતાં મ્યુનિસિપલ કમિશનરશ્રી બંછાનિધી પાનીએ શહેરીજનોને અપીલ કરી છે કે, જ્યાં સુધી કોરોનાની વેક્સિન ન આવે ત્યાં સુધી ‘માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને હેન્ડ વોશ’ એ બ્રહ્માસ્ત્ર છે. જેથી શહેરીજનો કોરોના ગાઇડલાઇનનો ચુસ્ત અમલ કરીને પ્રશાસનને કોરોના નિયંત્રણમાં સહકાર આપવા અનુરોધ કર્યો છે.
કોરોના સામેના જંગમાં અવિરત સેવા આપી રહેલાં તમામ કોરોના વોરિયર્સનો આભાર વ્યકત કરતાં જણાવ્યું કે, સુરતે દેશભરમાં બીજા ક્રમના સૌથી સ્વચ્છ શહેરનો ખિતાબ મેળવ્યો છે, ત્યારે સ્વચ્છતાને જાળવી રાખવા અને કોરોના સંક્રમણ અટકાવવાં કતારગામ અને વરાછા વિસ્તારમાં પાનની દુકાન પર ભીડ-ભાડ ન થાય, જાહેરમાં થુંકનારાઓ પર પોલીસ અને પાલિકા દ્વારા કડક હાથે કાર્યવાહી કરવાના દિશાનિર્દેશ આપ્યાં હતાં.


હાલ કોવિડ-૧૯ના સૌથી વધુ કેસો અઠવા, રાંદેર અને કતારગામ ઝોનમાંથી નોંધાઈ રહ્યા છે. અઠવાના અલથાણ અને વેસુ, જૂના અને નવા બમરોલીના વિસ્તારો, રાંદેરમાં પાલ, અડાજણ ગામ, અડાજણ પાટીયા, કૃષ્ણકુંજ, પાલનપુર પાટીયા, જકાતનાકા વિસ્તારમાં, વરાછાના મોટા વરાછા, અશ્વિનીકુમાર, કતારગામના ડભોલી અને મોટી વેડમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અહીં તકેદારી રાખવાની સૌથી વધુ આવશ્યકતા છે.
કોરોના નિયંત્રણ માટે માસ્ક ખુબ જ જરૂરી છે. તાઈવાન જેવા દેશમાં સૌથી ઓછા કેસ છે. ત્યાંના નાગરીકો અનુશાસિત રીતે માસ્કનો ઉપયોગ કરે છે. જેમાંથી પ્રેરણા લઈને જો કોઈ પણ વ્યક્તિ માસ્ક વગર દુકાનમાં, મોલ, ઓફિસો, રિક્ષા, બસમાં કે અન્ય જગ્યા પર આવે તો તેના પ્રવેશ સામે મનાઇ ફરમાવવા કમિશનરશ્રીએ તાકીદ કરી હતી.
આગામી સમયમાં તથા હાલમાં શહેરમાં પરપ્રાંતથી કામદારો વધુ માત્રામાં આવી રહ્યાં છે જેને ધ્યાને લઈ મહાપાલિકાની ગાઈડલાઈન મુજબ શ્રમિકોને સાત દિવસ હોમ કવોરન્ટાઈન કરાશે. જ્યારે કોઈ કામદાર પહેલા પોઝીટીવ આવી ચુક્યો હોય તો તેમનો એન્ટીબોડી ટેસ્ટ કરવામાં આવશે અને જેમના એન્ટીબોડી બની ચુક્યા હોય તો તેઓએ ક્વોરન્ટાઈન રહેવાની જરૂર નથી. જો રેપિડ ટેસ્ટમાં પોઝીટીવ ન આવે અને લક્ષણો હોય તો તેમના RTPCR ટેસ્ટ કરવામાં આવશે, એમ મહાનગરપાલિકા કમિશનર દ્વારા જણાવાયું છે.
આ ઉપરાંત સ્ટ્રિટ ફુડમાં ખાણીપીણી માટે બેસતા લોકોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા અને પાર્સલ સેવાનો વધુ ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો. શ્રી પાનીએ કહ્યું કે, રાત્રે ૧૦ વાગ્યા બાદ ખાણીપીણીની લારીઓ ફરજિયાતપણે બંધ રાખવાંની રહેશે. આ નિયમોનું પાલન ન કરનાર પર કડક હાથે કાર્યવાહી કરાશે. ૧૦ વર્ષથી ઓછી અને ૬૦ વર્ષથી વધુ વયના લોકોએ ખુબ જ સાવચેતી રાખી કામ સિવાય ઘરની બહાર ન નીકળે તે જરૂરી છે. ખાસ કરીને યુવાનો પરિવારના બાળકો અને વડીલોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે વધુ તકેદારી રાખે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
કમિશનરશ્રીએ જણાવ્યું કે, દુકાન, બજાર, રેસ્ટોરન્ટ, મોલ, ટેક્ષટાઈલ માર્કેટ વગેરે સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે સાઈન-એજ હોવા જરૂરી છે. જ્યાં સાઈન-એજ ન થઈ શકે ત્યાં ગોળ કુંડાળા કરવા ફરજિયાત છે. આ નિયમનો ભંગ કરનાર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ઉદ્યોગો અને સોસાયટીઓ દ્વારા સુરક્ષા કવચ સમિતિ બનાવવામાં આવી છે. જેને કોરોના લક્ષણ ધરાવતા લોકોના ટેસ્ટ કરવાની રેફરન્સ સ્લીપ પણ આપવામાં આવશે. જેથી આ સ્લીપના આધારે કોવિડ ટેસ્ટ કરાવી શકશે.
તેમણે ઉમેર્યું કે, છેલ્લાં કેટલાંક દિવસોમાં રેલ્વે સ્ટેશન પરથી ૧૦૦ થી વધુ લોકો કોવિડ પોઝિટીવ આવી ચુક્યાં છે. ટેક્ષી ડ્રાઈવર, ઓટો ડ્રાઈવરો પણ સુપર સ્પ્રેડર્સ બન્યા છે. પરિવારમાં કોઈને કોવિડના લક્ષણો દેખાય તો તેમને માસ્કનો ઉપયોગ કરવો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જેથી પરિવારના અન્ય લોકોને ચેપ ન લાગે એવી જાગૃત્તિ માટે સામાજિક સંસ્થાઓ આગળ આવે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
સંયુક્ત પરિવારમાં વધી રહેલાં સંક્રમણને ધ્યાને લઈ શ્રી પાનીએ આવા ઘરોમાં પણ માસ્ક પહેરવા અને સેનેટાઇઝરનો ઉપયોગ કરવાં સાથે સાવચેતી રાખવાનો આગ્રહ સેવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *