સ્મીમેર હોસ્પિટલમાં ૫૦૧ પ્લાઝમા દાન સાથે રાજ્યભરમાં મોખરે

દાનવીર કર્ણની ભૂમિ સુરત હવે કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારી વચ્ચે પ્લાઝમા દાનની ભૂમિ રૂપે પણ ઉભર્યું છે. આપત્તિના સમયે સુરતવાસીઓ યોગદાન હંમેશા અનેરૂ રહ્યું છે, ત્યારે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ખાતે તા.૫ જુલાઈથી શરૂ થયેલી પ્લાઝમા બેન્કમાં બે મહિનાથી પણ ઓછા સમયમાં ૫૦૧ પ્લાઝમા ડોનેટ કરાવી  પ્લાઝમા દાન રાજ્યભરમાં મોખરે રહી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.


                સ્મીમેર હોસ્પિટલના કોવિડ-૧૯ નોડલ ઓફિસર અને નાયબ વન સંરક્ષકશ્રી પુનિત નૈયરે જણાવ્યું હતું કે, સ્મીમેર હોસ્પિટલ કોવિડ-૧૯ની મહામારીમાં ૨૪x૭ કલાક કામ કરી રહી છે. સુરતની સ્મીમેર હોસ્પિટલને પ્લાઝમા બેન્કની મંજૂરી મળી ત્યારથી કોરોનામુક્ત દર્દીઓને પ્લાઝમા દાન માટે પ્રેરિત કરવાનું ભગીરથ કાર્ય શરૂ કર્યું હતું. જેના પરિણામે ૫૦૧ પ્લાઝમા દાનનું સીમાચિહ્ન સર કર્યું છે. બ્લડબેન્કના સ્ટાફ અને ડોક્ટરોની ટીમની મહેનત અને પ્લાઝમા ડોનરોના નિ:સ્વાર્થ સેવાકીય અભિગમ સરાહનીય રહયો છે.  હાલ સુરતમાં પ્લાઝમાની જરૂરિયાત ઓછી થઈ  છે. જેથી અન્ય જિલ્લામાં પ્લાઝમાની જરૂર જણાશે તો મંજૂરી મેળવી જરૂરિયાત ધરાવતાં દર્દીઓને પ્લાઝમા આપવામાં આવશે, એમ શ્રી નૈયરે જણાવ્યું હતું.
            સ્મીમેર બ્લડ બેંકના હેડ ડો.અંકિતા શાહે જણાવ્યું હતું કે, ‘કોરોનાની વૈશ્વિક મહામારીમાં પ્લાઝમા થેરાપીથી કોરોના દર્દીઓને ઘણી રાહત થઈ છે. અમારી બ્લડ બેન્કની ટીમ દ્વારા તા.૫ જુલાઈથી પ્લાઝમા બેન્કની શરૂઆતથી આજ સુધી છેલ્લાં બે મહિનામાં ૫૦૧ ડોનરો પાસેથી ૯૭૩ યુનીટ પ્લાઝમા કલેકટ કરવામાં આવ્યું જેમાથી કુલ ૬૭૨ યુનિટ પ્લાઝમાં ઇસ્યુ કરવામાં આવ્યા હતા. જેમાં ૫૭૫ સ્મીમેર હોસ્પીટલમાં અને ૨૮૦ યુનિટ અન્ય હોસ્પિટલને પ્લાઝમાં આપવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *