સુરતની ૨૧ વર્ષીય મનાલી પ્લાઝમા ડોનેટ કરી યુવાનો માટે પ્રેરણાત્મક બની

સુરતનું યુવાધન કોરોના સામેના જંગમાં પ્લાઝમા ડોનેશન કરી અનેરૂ યોગદાન આપી રહ્યું છે. સુરતની ૨૧ વર્ષીય મનાલી અણઘણ પ્લાઝમા ડોનેટ કરી સુરતની ચોથી મહિલા પ્લાઝમા ડોનર બની છે. આ અગાઉ સિવિલ હોસ્પિટલમાં ૨૭ વર્ષીય ડો.શ્વેતા રાજકુમાર અને ૨૮ વર્ષીય શૈલી મહેતાએ તેમજ સ્મીમેરમાં ૨૧ વર્ષીય જાનકી કળથીયાએ પ્લાઝમાં ડોનેટ કર્યા હતા.


મનાલીએ પ્લાઝમાં ડોનર જાનકી કળથીયાથી પ્રેરણા લઇને સ્મીમેરની બ્લડ બેંકમાં પ્લાઝમા ડોનેટ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, જાનકી મનાલીની માસીની દીકરી છે.સમાજ તથા અન્ય યુવા મહિલાને પ્લાઝમા દાન કરવાની પ્રેરણા પુરી પાડનાર મનાલી રાજેશભાઇ અણઘણ મૂળ બોટાદ જિલ્લાના તુરખા ગામની વતની છે. ડભોલી ચાર રસ્તા પાસે વેડ રોડ વિસ્તારમાં પરિવાર સાથે રહેતી મનાલી ઇન્ટિરીયર ડિઝાઇનીંગનો અભ્યાસ કરે છે.


મનાલીએ જણાવ્યું હતું કે, ‘તા.૨૦મી જુને મને અને મારા પિતાજીને તાવ, શરદી, ઉધરસ જેવાં લક્ષણો જણાયા હતાં. જેથી ફેમિલી ડો.વિપુલ કળથીયાની સલાહ લઈ સામાન્ય એસિમ્ટોમેટીક લક્ષણો હોવાથી હું હોમ આઈસોલેશનમાં રહી અને મારા પિતાજી ડો.સમીર ગામીની સારવાર હેઠળ યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલ, અડાજણમાં દાખલ થયાં હતાં. પાંચ દિવસની પ્રાથમિક સારવાર બાદ હું સ્વસ્થ થઈ ગઈ હતી. ત્યારબાદ ખાનગી લેબમાં એન્ટીબોડી ટેસ્ટ કર્યો હતો, જેમાં એન્ટીબોડી ડેવલપ થઇ હોવાનું જણાતાં પ્લાઝમા ડોનેટ કરવા સ્મીમેરમાં આવ્યાં. અહીં પણ મારો એન્ટીબોડી ટેસ્ટ કરાયો હતો. જેમાં કોન્વેલેસન્ટ પ્લાઝમાનું પ્રમાણ હોવાથી મેં તા.૨૩મી ઓગસ્ટના રોજ પ્લાઝમાં ડોનેટ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *