નલ સે જલ મિશન હેઠળ ગૃહવપરાશના ગેરકાયદેસર જોડાણોને નજીવી ફી લઇને કરાશે કાયદેસર.

નાગરિકોની સુખાકારી માટે આઠ મહાનગરોના મ્યુનિસિપાલીટીઝ કમિશનરો સાથેની વિડીયો કોન્ફરન્સમાં રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય – નલ સે જલ મિશનને અગ્રતા આપીને અડધા ઇંચ સુધીના ગૃહવપરાશના ગેરકાયદેસર જોડાણોને રુપિયા 500ની નજીવી ફી લઇને કરાશે નિયમિત -રસ્તા તેમજ નવિનીકરણના કામો દિવાળી પહેલા પૂર્ણ કરવા માટે પણ મુખ્યમંત્રી વિજય રુપાણીએ કરી તાકીદ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રધાનમંત્રીના મહત્વાકાંક્ષી સંકલ્પ ‘નલ સે જલ’ મિશનમાં ગુજરાતની અગ્રેસરતા માટે બે ક્રાંતિકારી નિર્ણયો કર્યા છે. પ્રથમ નિર્ણયમાં અડધા ઇંચ સુધીના ગૃહ વપરાશના ખાનગી-સ્વતંત્ર રહેણાંકના ગેરકાયદે જોડાણો આગામી 31 ડિસેમ્બર સુધીમાં માત્ર 500 રૂપિયાની નજીવી ફી લઇ નિયમિત કરી અપાશે. આ સાથે જ અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય અંતર્ગત નગરો, શહેરો અને મહાનગરોમાં ખાનગી ઝૂંપડપટ્ટીઓને પાણીના જોડાણોની માંગણી થયેથી નિયમાનુસાર ધોરણે નળ જોડાણ-કનેકશન આપી દેવાશે. મુખ્યમંત્રીએ આઠ મહાનગરો તથા રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનરો સાથે વીડિયો કોન્ફરન્સ બેઠક યોજી હતી.

જેમાં કોરોના સંક્રમણ નિયંત્રણ કામગીરી સાથે રોજબરોજના વિકાસકામોને પણ પ્રાધાન્ય આપવા સૂચન કરાયું હતું. રોડ-રસ્તા રિપેરીંગ અને નવિનીકરણના કામો દિવાળી પહેલાં પૂર્ણ કરવા ડિટેઇલ પ્લાનીંગ કરવા પણ સીએમએ સૂચના આપી છે. રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનરો પોતાના કાર્યક્ષેત્રની નગરપાલિકાઓમાં સ્વચ્છતાના કામોનું લક્ષ્યાંક આધારિત પ્લાનિંગ કરે તેમ પણ મુખ્યમંત્રીએ સૂચન કર્યું હતું. મુખ્યમંત્રીએ નગરો-મહાનગરોમાં વપરાયેલા ગંદા પાણીના શુદ્ધિકરણથી મહત્તમ રિ-યુઝ ઓફ ટ્રીટેડ વોટરના ઉપયોગ માટે પણ આ બેઠકમાં પ્રેરણા આપી હતી.

શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ શ્રી મૂકેશ પૂરીએ નગરો-મહાનગરોના સત્તાતંત્રોની કામગીરી, નિર્ધારીત લક્ષ્યાંક અને પ્રગતિની સમગ્ર બાબતોની છણાવટ કરતું પ્રેઝન્ટેશન બેઠકમાં રજુ કર્યુ હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *