સ્મીમેરની મેડિસીન, એનેસ્થેસિયા અને પિડીયાટ્રીશ્યન વિભાગના ટીમવર્કથી સગર્ભાને મળ્યું નવજીવન.

સ્મીમેર હોસ્પિટલના ગાયનેક, મેડિસીન, એનેસ્થેસિયા અને પિડીયાટ્રીશ્યન વિભાગની ‘મલ્ટીડિસીપ્લીનરી ટીમ’ તબીબી ટીમે સુરતની એક સગર્ભા મહિલાને મૃત્યુના મુખમાંથી ઉગારી લીધી છે.

લિંબાયતની સાત માસની સગર્ભા પરિણીતા માધુરીબેન દિલીપ કુંભારેની તબિયત બગડતા સ્મીમેરમાં દાખલ થયા હતા. તેમનું ટ્રેક્યોસ્ટોમી (ગળામાં કાણું પાડીને નળી નાંખવાનું ઓપરેશન) કરી મહિલાને સ્વસ્થ કર્યા હતા,ત્યારબાદ સિઝેરિયન ડિલીવરી કરાવી સ્મીમેરના ગાયનેક વિભાગના તબીબોને માતા અને બાળક બંનેને નવજીવન આપ્યું છે. હાલમાં પ્રસુતા માતા અને નવજાત બાળકની હાલત સંપૂર્ણ સ્વસ્થ અને ભયમુક્ત છે.

મૂળ મહારાષ્ટ્રના જલગાંવના વતની અને સુરતના લિંબાયતની મહારાણા ચોક વિસ્તારમાં રહેતા દિલીપ કુંભારેની ૨૩ વર્ષીય પત્નીને સાત મહિનાનો ગર્ભ હતો. કોરોનાની વિકટ સ્થિતિ વચ્ચે એક દિવસ અચાનક તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગતા સ્મીમેરમાં દાખલ કરાયા હતા. પરંતુ શ્વાસોચ્છવાસ લેવામાં ખુબ મુશ્કેલી હોવાથી ટ્રેક્યોસ્ટોમી ઓપરેશન કરી વેન્ટીલેટર પર રખાયા હતાં.

માધુરીબેનને નવજીવન આપવામાં મહત્વનો ભાગ ભજવનાર ડો.તનુશ્રી અગ્રવાલે જણાવ્યું હતું કે, ‘સાત મહિનાની સગર્ભા માધુરી કુંભારેને તા.૧૭મી જુલાઈના રોજ શ્વાસ લેવામાં મુશ્કેલી પડતાં તેમના પરિવાર દ્વારા સ્મીમેરમાં દાખલ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેમને ન્યુમોનિયાની અસર હોવાનું નિદાન થયું હતું. ઉપરાંત લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ ખુબ નીચું રહેતા તાત્કાલિક ગાયનેક વિભાગના અલાયદા કોવિડ વિભાગમાં સારવાર શરૂ કરવામાં આવી હતી. દર્દીની હાલત અત્યંત નાજુક હોવાથી તાત્કાલિક વેન્ટીલેટર પર રાખવામાં આવ્યાં હતા. દરમિયાન તા.૨૬મી જુને ટ્રેક્યોસ્ટોમી ઓપરેશન કરવામાં આવ્યુ હતું. તેમનો કોરોનાનો રેપિડ એન્ટીજેન ટેસ્ટ કરાવતાં નેગેટીવ રિપોર્ટ આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *