કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાને ધ્યાનમાં રાખીને ભાવિ રણનીતિના આગોતરા આયોજન માટે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ તજજ્ઞો સાથે ચર્ચા-વિચારણા કરી.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના કોવિડ-19ની ત્રીજી લહેર આગામી દિવસોમાં આવી શકે તેવી દુનિયાના મેડીકલ એકસપર્ટસ દ્વારા કરેલી સંભાવનાઓને પગલે ગુજરાતમાં પણ તેનો સતર્કતા-સજ્જતાથી સામનો કરવાના આગોતરા આયોજન રૂપે ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રી નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારની કોવિડ ટાસ્ક ફોર્સના તજજ્ઞ તબીબો તેમજ GBRCના વૈજ્ઞાનિકો અને મંત્રીશ્રીઓ વરિષ્ઠ સચિવો સાથે ભાવિ રણનીતિ ઘડવા અંગે ત્રણ કલાક ચાલેલી આ બેઠકમાં વિસ્તૃત ચર્ચાઓ હાથ ધરી હતી.

તેમણે આ બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, કોરોના સંક્રમણમાં આ બીજી લહેરમાં છેલ્લા એક સપ્તાહથી કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થયો છે અને અગાઉના ૧૪૦૦૦ કેસોથી ઘટીને ૧૧ હજાર જેટલી સંખ્યા થઇ ગઇ છે.

તેમણે આ સંદર્ભમાં ઉમેર્યુ કે, રાજ્ય સરકાર, તબીબી જગત અને જનસહયોગના સહિયારા પ્રયાસોથી આપણે આ પરિણામ મેળવી શકયા છીયે.

‘‘હવે, ત્રીજી લહેર જો સંભવત: આવી પડે તો ગુજરાતમાં આગોતરું આયોજન કરીને મેડીકલ પ્રોટોકોલ, ટ્રીટમેન્ટ, ઓકસીજન વ્યવસ્થા, હોસ્પિટલોમાં બેડ તેમજ ઇન્ફ્રાસ્ટ્રકચરને વધુ સુદ્રઢ બનાવવા અંગે આપણે માઇક્રોપ્લાનીંગ સાથેનો એકશન પ્લાન ઘડવો પડશે’’ એમ મુખ્યમંત્રીશ્રીએ તજજ્ઞ તબીબો સાથેની ચર્ચામાં જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે, કોરોના સંક્રમણ નિયંત્રણ અને સારવારનો પહેલી લહેર અને બીજી લહેરનો જે અનુભવ, સારવાર પદ્ધતિ આપણી પાસે છે તના આધાર ઉપર ત્રીજી સંભવિત વેવમાં ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય, મૃત્યુદર પણ સાવ ઓછો રહે એ દિશામાં પ્રયત્નશીલ રહેવાની આવશ્યકતા છે.

તેમણે થર્ડ વેવથી બચવા-રક્ષણ મેળવવા રાજ્યમાં મોટાપાયે લોકોનું વેકસીનેશન થાય તે માટે તજજ્ઞ તબીબો પ્રચાર-પ્રસારમાં રાજ્ય સરકાર સાથે જોડાય તેવી અપીલ પણ કરી હતી.

આ ટાસ્કફોર્સ કમિટિની ઉચ્ચસ્તરીય બેઠકમાં મ્યુકોરમાયરોસીસના રોગચાળા અને તેની સારવાર અંગે પણ ચર્ચા હાથ ધરાઇ હતી.  

રાજ્યના ૯ જેટલા વરિષ્ઠ નિષ્ણાંત તબીબોની ટાસ્ક ફોર્સના સભ્યો પૈકી  વિશ્વપ્રસિદ્ધ કાર્ડિયોલોજિસ્ટ અને એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના ચેરમેન પદ્મશ્રી ડૉ. તેજસ પટેલ, ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક હેલ્થ, ગાંધીનગરના ડાયરેક્ટર ડૉ. દિલીપ માવલંકર, ઝાયડસ હોસ્પિટલ, ઈન્ફેક્સિયશ ડિસિઝ કન્સલ્ટન્ટ અને સ્ટર્લીંગ હોસ્પિટલ અમદાવાદના ઇન્ફેક્શન ડિવિઝનના ડાયરેક્ટર શ્રી ડૉ. અતુલ પટેલ, જાણીતા પલ્મોનલૉજીસ્ટ અને સ્ટર્લિંગ હોસ્પિટલના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. તુષાર પટેલ, એપોલો હોસ્પિટલના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. મહર્ષિ દેસાઈએ બેઠકમાં સહભાગી થઇને કોવિડ પ્રોટોકોલ તથા લાઇન ઓફ ટ્રીટમેન્ટ વિશે પોતાના અનુભવો શેર કર્યા હતા અને સૂચનો પણ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *