નિકુમ પરિવારના ત્રણ સભ્યો સતત કોરોના દર્દીઓની સેવામાં સમર્પિત .

કોરોના સામેનો જંગ જીતવા કોઈ પણ પરિસ્થિતિમાં લડી લેવું છે!” સતત છ મહિનાથી સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કોરોના પીડિત દર્દીઓની સારવારમાં સમર્પિત સ્મીમેર હોસ્પિટલના ડેપ્યુટી નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ મનોજભાઈ નિકુમના આ શબ્દો છે. ફરજનિષ્ઠ નિકુમ પરિવારના ત્રણ સભ્યો કોરોના દર્દીઓની સેવાના સમર્પિત છે. મનોજભાઈ અને ધર્મપત્ની પ્રિયંકાબેન સ્મીમેરમાં છે, જ્યારે તેમના હેમલતાબેન નવી સિવિલમાં ફરજ બજાવે છે.
મનોજભાઈ અને તેમના બહેન દર્દીઓની સેવા કરતાં સંક્રમિત થયાં હતાં. સારવાર મેળવી સ્વસ્થ થઈને પુન: ફરજબદ્ધ છે. દર્દીઓને હુંફ અને કાળજી પૂરી પાડતાં નર્સિંગ સ્ટાફનું યોગદાન અગત્યનું છે, એટલે જ તો દર્દીઓની સારવારમાં ડોક્ટરની સારવાર ઉપરાંત નર્સની ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે.
યુવા કોરોના વોરિયર મનોજભાઈના ચહેરા પર ઊર્જા જોવા મળે છે. તેઓ જણાવે છે કે, વૃદ્ધ માતા-પિતા અને એક વર્ષ અને પાંચ વર્ષના બે નાના બાળકો ઘરે હોવા છતાં અમે પરિવારના ત્રણ સભ્યો સતત ફરજ નિભાવીએ છીએ. તા.૨જી સપ્ટેમ્બરના રોજ કોરોનાના લક્ષણો જણાતાં રિપોર્ટ કરાવ્યો. જે પોઝીટીવ આવ્યો હતો. ૧૪ દિવસ હોમ આઇસોલેશનમાં સારવાર લઇ, પુનઃ ફરજમાં જોડાયો હતો.
મનોજભાઈ કહે છે કે, ‘કોરોનાની શરૂઆતથી જ કોવિડ કેર સેન્ટર, ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ અને ત્યારબાદ સ્મીમેરના ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવી છે. કોરોનાની સારવારમાં અસરકારક પ્લાઝમાનું દાન કરીશ એમ જણાવી તેઓ ઉમેરે છે છે કે, ‘દર્દીઓના આરોગ્ય અને સુખાકારી અમારી પ્રાથમિકતા રહે છે. કોરોના સામેની લડાઈ સાવચેતીપૂર્વક જનસહયોગથી લડવાની છે. આ બિમારીમાં સાવચેતી એ જ સલામતી છે. જેથી દરેકે પોતાની જવાબદારી સમજીને સંક્રમણ ન ફેલાય તેની ખાસ તકેદારી રાખવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *