રાજ્યમાં કોરોનાના 16,318 સક્રિય કેસ; કુલ રિકવર દર્દીઓનો આંકડો 91,470ને પાર

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 1344 દર્દીઓ નોંધાયા છે. અને 16 લોકોનાં મોત થયા છે. તો 1240 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં 275, અમદાવાદમાં 174, વડોદરામાં 132, રાજકોટમાં 150, જામનગરમાં 116, ભાવનગરમાં 45, ગાંધીનગરમાં 40, પાટણમાં 30, મોરબી અને પંચમહાલમાં 29-29, જૂનાગઢમાં 35, અમરેલીમાં 26, ભરૂચ અને કચ્છમાં 25-25, મહેસાણામાં 24, સુરેન્દ્રનગરમાં 22, દાહોદમાં 20, બનાસકાંઠામાં 18 અને આણંદમાં 16 કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રિકવરી રેટ 82.43 રહ્યો છે..મહત્વનું છે કે રાજ્યમાં હાલ 16,318 સક્રિય કેસ છે, જેમાંથી 94 દર્દીઓ વેન્ટીલેટર પર છે; જ્યારે 16,224 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. આજે વધુ 16 દર્દીઓના મૃત્યુ સાથે રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 3183 પર પહોંચ્યો છે.

મેડિકલ ઓક્સિજનની માગને પહોંચી વળવા વિશેષ જાહેરનામું પ્રસિદ્ધ
કોવિડ-૧૯ની મહામારી અંતર્ગત તાજેતરમાં કોરોનાના દર્દીઓની સારવારમાં મેડીકલ ઓક્સીજન ખુબ જ મહત્વપુર્ણ છે એટલું જ નહી આવા દર્દીઓની વધતી જતી સંખ્યાના કારણે મેડિકલ ઓક્સિજનની માંગ ખુબ જ વધી છે. આવા સંજોગોમાં મેડિકલ ઓક્સિજનની માંગને પહોચી વળવા રાજ્યમાં વિશેષ જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ ઓક્સિજન ઉત્પાદક એકમો માત્ર ૫૦% સુધીનો જ ઓક્સીજન ઔદ્યોગીક વપરાશ માટે આપી શકશે. તે ઉપરાંત અનિવાર્ય સંજોગોમાં જો મેડિકલ ઓક્સિજનની તાકીદે જરૂરીયાત ઉભી થાય તો પ્રથમ પ્રાથમિકતા મેડિકલ ઓક્સિજનને આપવાની રહેશે. આ જાહેરનામાના ભંગ બદલ આઈપીસી કલમ ૧૮૮ મુજબ છ મહિનાની સજા તેમજ દંડની જોગવાઈ છે તેમ ખોરાક અને ઔષધ નિયમન કમિશ્નર શ્રી ડૉ. એચ.જી.કોશિયાએ જણાવ્યું છે.

SMC કમિશનરે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં નિરીક્ષણ કર્યું
સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, સુરતના અઠવા ઝોન વિસ્તારમાં રોજના 50થી પણ વધુ કેસ નોંધાઇ રહ્યા છે. હાલ ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. ત્યારે મહાનગરપાલિકા કમિશનર બંછાનિધી પાનીએ આ વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. SMC કમિશનરે જણાવ્યું કે, સુરતના મોટાભાગના શ્રમિકો જગન્નાથ પુરીના છે. તેમને પુરીથી અહીં લાવવા માટે ખાસ ત્રણ સ્પેશ્યિલ ટ્રેન શરૂ કરવામાં આવશે. જેથી અહીં રેલવે સ્ટેશન પર પ્રતિ દિવસ 10 હજાર જેટલા લોકો આવશે. જેને લઈને હાલ અહીં રેલવે સ્ટેશન પર સ્ક્રિનીંગ અને ટેસ્ટિંગની કામગીરી સઘન બનાવવામાં આવી છે. તો જ્યાં શ્રમિકો કામ કરવા જાય છે ,ત્યાં સુરક્ષા કવચ સમિતિ પણ બનાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *