સુરત ખાતે શિક્ષણ ક્ષેત્રમાં આગવું પ્રદાન કરનાર શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો

આરોગ્ય રાજ્યમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણીના અધ્યક્ષસ્થાને પુણા ગામ સ્થિત એલ.પી.ડી. સાર્વજનિક વિદ્યાલય ખાતે સુરત જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો. મંત્રીશ્રીના હસ્તે જિલ્લાના ત્રણ અને તાલુકા કક્ષાના છ શ્રેષ્ઠ શિક્ષક શ્રેષ્ઠ શિક્ષકોનું શાલ, સન્માન રાશિનો ચેક, સ્મૃતિ ચિહ્ન અને પુસ્તક અર્પણ કરી સન્માન કરાયું હતું.સંપૂર્ણ સોશ્યલ ડિસ્ટન્સિંગ અને સલામતીના ધોરણોને અનુસરી ઉજવણી સમારોહનું આયોજન થયું હતું.

આ પ્રસંગે વિદ્વાન શિક્ષણવિદ્દ પૂર્વ રાષ્ટ્રપતિ  ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના શિક્ષકના રૂપમાં અમૂલ્ય યોગદાનને યાદ કરતાં મંત્રીશ્રી કિશોરભાઈ કાનાણીએ જણાવ્યું હતું કે, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન પોતાની આગવી પ્રતિભાથી રાષ્ટ્રપતિ બન્યા પછી પણ આજીવન શિક્ષક જ રહ્યા.  શ્રી કાનાણીએ શિક્ષકદિન બાળકોના ભાવિ અને જીવનનું ઘડતરમાં  જીવનમૂલ્યોનું સિંચન કરનાર શિક્ષકની વંદના કરવાનો દિવસ હોવાનું જણાવી ઉમેર્યું કે, માતા પિતા બાળકને જ્ઞાન ઉપાર્જન માટે શાળાએ મોકલે છે, ત્યારે શિક્ષક કાચા હીરા સમાન આ વિદ્યાર્થીને જ્ઞાનની ધારથી પાસાદાર બનાવી ચમકાવે છે. કાચો હીરો જેમ પાસા પડ્યા પાછી ચમકદાર અને અનેકગણો મૂલ્યવાન બને છે, તેમ શિક્ષક પાસેથી શિક્ષણ અને સંસ્કાર મેળવીને વિદ્યાર્થી તેજસ્વી બને છે.
           
              જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એચ.એચ.રાજ્યગુરૂએ મંત્રીશ્રી અને મહાનુભાવોને આવકારી શિક્ષકો વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પાયાના પથ્થર બને એવી અપેક્ષા વ્યક્ત કરી શ્રેષ્ઠ શિક્ષકોને સિદ્ધિ બદલ શુભકામનાઓ આપી હતી. નોંધનીય છે કે, સુરત શહેરના બે શ્રેષ્ઠ શિક્ષકો રાજેશભાઈ ધામેલિયા (મહારાણા પ્રતાપ પ્રા.શા.) અને હેમાક્ષીબેન પટેલ (આઈ.એન ટેકરાવાળા હાઈસ્કૂલ, રાંદેર)નું રાજ્ય કક્ષાએ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દિપકભાઈ દરજી, શાળાના ટ્રસ્ટીશ્રી ભગુભાઈ, આચાર્યશ્રી વિજયભાઈ પટેલ સહિત સન્માનિત શિક્ષકો, અધિકારીઓ  મોટી સંખ્યામાં શિક્ષકો-વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કોનું સન્માન કરાયું ?

તાલુકા કક્ષાએ પારિતોષિક
૧) દિનેશભાઈ રૂસ્તમભાઈ ચૌધરી, આચાર્ય (પ્રા શાળા ડાભડીયા, તા.માંડવી)
૨) વનમાળાબેન કાંતિલાલ સોની, મુખ્ય શિક્ષક (કન્યા શાળા માંડવી, તા.માંડવી)
૩) મિપલકુમાર ઈશ્વરભાઈ પટેલ, મુખ્ય શિક્ષક (બાબલા પ્રાથમિક શાળા, તા. બારડોલી)
૪) ભાવેશકુમાર બાબુભાઈ લાડ, મુખ્ય શિક્ષક (આદર્શ પ્રાથમિક શાળા, બાબેન, તા.બારડોલી)
૫) અશ્વિનભાઈ પ્રભુભાઈ સોલંકી, મુખ્ય શિક્ષક(પ્રાથમિક શાળા, કાલીજામણ, તા.ઉમરપાડા) ૬) પ્રફુલભાઈ હિરજીભાઈ વસાવા, ઉપ શિક્ષક (કેન્દ્ર પ્રાથમિક શાળા કેવડી, ઉમરપાડા)

જિલ્લા કક્ષાએ પારિતોષિક
૧) કપિલાબેન વીરસિંગભાઈ ચૌધરી, ઉપ શિક્ષક (પ્રા. શાળા સુરાલી, તા.બારડોલી)
૨) નરેશકુમાર મગનલાલ મહેતા, મુખ્ય શિક્ષક (સંત ડોંગરેજી મહારાજ પ્રા. શા(શા.ક્ર.૧૧૪)
૩) આશિષકુમાર છીમાભાઈ પટેલ, મદદનીશ શિક્ષક (એલ.એન.બી.દાળિયા હાઈસ્કૂલ, અડાજણ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *