સિવિલ ડિફેન્સ સુરત ડિવીઝનના વડા તરીકે કાનજીભાઈ ભાલાળા અને ડેપ્યુટી ચીફ વોર્ડન તરીકે વિજય છૈરાની નિયુક્તિ.

કુદરતી કે માનવસર્જીત આફતના સમયે લોકોના જાનમાલના રક્ષણ માટે કાર્યરત સિવિલ ડિફેન્સ (નાગરિક સંરક્ષણ દળ)ના સુરત શહેર ડિવીઝનમાં ચીફ વોર્ડન તરીકે સામાજિક અગ્રણી કાનજીભાઈ ભાલાળા અને ડેપ્યુટી ચીફ વોર્ડન તરીકે વિજયભાઈ છૈરાની નિયુક્તિ જિલ્લા કલેકટરશ્રી ડો. ધવલ પટેલ દ્વારા કરવામાં આવી છે. જિલ્લા કલેકટર સુરત સિવિલ ડિફેન્સ યુનિટના મુખ્ય નિયંત્રક હોય છે.

વરાછા કો-ઓપ.બેંકના ચેરમેન, શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરતના પ્રમુખ અને જય જવાન નાગરિક સમિતિ-સુરતના ટ્રસ્ટી એમ બહુવિધ સંસ્થાઓ સાથે સેવારત શ્રી કાનજીભાઈ આર.ભાલાળા ૨૦૦૬ થી સિવિલ ડિફેન્સમાં જોડાયેલા છે. તેમણે સુરતમાં આવેલા પુર અને પ્લેગ સમયે સક્રિય કામગીરી નિભાવી છે. વર્ષ ૨૦૦૧ના ભયાનક ધરતીકંપ, વર્ષ ૨૦૦૩માં વરાછારોડ પરની મહાદેવનગર મકાન દુર્ઘટનામાં ૪૨ લોકોના મૃત્યુ થયા હતા. આ સમયે બચાવ કામગીરી અને સેવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. સિવિલ ડિફેન્સ ટીમે કોરોના-લોકડાઉનમાં એન.જી.ઓ.ના ભોજન વિતરણમાં, મજુરો માટે ટ્રેન વ્યવસ્થા કરવાની ઉમદા કામગીરી કરી છે, સાથે હાલ કોરોના મહામારીમાં વોર્ડન મિત્રો જીવના જોખમે તંત્રની સાથે ૨૪ કલાક કામગીરી કરી રહ્યા છે.

નોંધનીય છે કે, વર્ષ ૧૯૬૨ ના ચીન યુદ્ધ બાદ નાગરિક સંરક્ષણ દળ (સિવિલ ડિફેન્સ) ની સ્થાપના સ્વ.પૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈએ કરી હતી. જે નાગરિકો દ્વારા દેશસેવા માટે રચાયેલું માનદ સેવા દળ છે. દેશસેવા માટે સ્વયંસેવક તરીકે સેવા આપવાની ભાવનાવાળા યુવાનો તૈયાર કરવા કેન્દ્ર સરકાર દ્વારા નાગરિક સંરક્ષણ દળની તાલીમ શાખામાં નાગરિકોને પ્રશિક્ષિત કરવાનું કામ કરવામાં આવે છે. જેનું કાર્યાલય બહુમાળી ભવન સી બ્લોકમાં છે. શહેરમાં દરેક પોલીસ સ્ટેશન પ્રમાણે ડિવીઝન હોય છે. તેના વડાને ડિવીઝનલ વોર્ડન કહેવામાં આવે છે. દરેક પોલીસ સ્ટેશન પ્રમાણે વોર્ડન મિત્રોની ટીમ બને છે. તમામ ડિવીઝન વોર્ડની ઉપર સંકલન અને માર્ગદર્શન માટે ડેપ્યુટી ચીફ વોર્ડન અને ચીફ વોર્ડન કામ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *