સ્મીમેર હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા ૫૧ વર્ષિય બિમલા ક્રિસ્ટી અને ૪૨ વર્ષિય સંગીતા પ્રજાપતિ દર્દીઓની સેવા શુશ્રુષા કરતાં કોરોનાગ્રસ્ત બન્યાં હતાં. સાત દિવસની સારવાર લઈને કોરોના સામે જંગ જીતી ફરીથી કોવિડ વોર્ડમાં પોતાની ફરજ પર હાજર થઈને કોવિડ વોર્ડમાં પૂર્વવત દર્દીઓની સેવામાં જોતરાઈ ગયાં છે. બંને નર્સએ એકસૂરે કહ્યું હતું કે, ‘કોરોના દર્દીની સારવાર કરવી એ અમારી નૈતિક ફરજ છે. કોરોના સંકટમાં દર્દીઓની સેવામાં નિમિત્ત બન્યાં છીએ. જેમ અમે કોરોના સામે જંગ જીત્યાં એમ વધુમાં વધુ દર્દીઓને પણ સ્વસ્થ કરીશું’.