કો-મોર્બિડ બિમારી ધરાવતા સુશીલસિંહ અને દિનેશભાઇએ કોરોનાને આપી મ્હાત.

સુરત સિવિલ હોસ્પિટલમાં કોવિડ-૧૯ ની સારવાર મેળવી કો-મોર્બિડ બિમારી ધરાવતા સુશીલસિંહ અને દિનેશભાઇ દાસે કોરોનાને મ્હાત આપી છે.મૂળ યુપીના જોનપુરના વતની અને વર્ષોથી કીમ ગામમાં રહેતા સુશીલસિંહ કહે છે કે, ‘ ‘હું વર્ષોથી કીમમાં લુમ્સની ફેક્ટરીમાં કામ કરૂ છું. ‘કોરોના મહામારીના કારણે લોકડાઉનમાં ફેક્ટરીમાં બંધ હતી, ફેકટરી શરૂ થઇ ત્યારે કોરોનાનું સંક્રમણ થતાં નવી સિવિલમાં વિનામૂલ્યે સારવાર મળી જેથી મારા હ્રદય પર આર્થિક ચિંતાનો બોજ હળવો થયો.


સુશીલસિંહ બિમાર થતાં તા.૨૫ સપ્ટેમ્બરના રોજ કામરેજ આરોગ્ય કેન્દ્રમાં પાંચ દિવસ દવા લીધી. શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી તા.૩જી ઓક્ટોબરે એચઆરસિટી કરાવ્યું. જેમાં ૭૦ ટકા કોરોનાના લક્ષણો જણાયા હતા. જેથી સુરત સિવિલ હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં દાખલ કરાયા.સુશિલસિંહ કહે છે કે, હોસ્પિટલમાં બે દિવસ બાપપેપ, એક દિવસ NRBM માસ્ક પર રાખ્યો. તંદુરસ્તી જણાતાં ચાર દિવસ ઓક્સિજન પર અને એક દિવસ રૂમ એર પર રાખી તા.૧૦મી ઓકટોબરના રોજ રિપોર્ટ નેગેટિવ આવતા રજા આપવામાં આવી. વિનામુલ્યે સારવાર બદલ સિવિલ અને વહીવટીતંત્રનો આભાર વ્યકત કરૂ છું.

પીપલોદના પ્રગતિનગરમાં રહેતા ૫૬ વર્ષીય દિનેશભાઈ દાસ કોરોનામુક્ત થયાં તેની ખુશી વ્યક્ત કરતા કહે છે કે, ‘હું ગ્રેજ્યુએટ છું. છેલ્લા ચાર વર્ષથી ડાયાબિટીસની સારવાર પણ ચાલે છે. એક્ષપોર્ટનો વ્યવસાય કરૂ છું. લોકડાઉન બાદ કામ શરૂ કર્યા બાદ કોરોનાની ઝપેટમાં આવ્યો. સિવિલ અને સ્મીમેરમાં મોટા ભાગના દર્દીઓ સ્વસ્થ થઈ રહ્યાં છે એ જાણી મને દૃઢ વિશ્વાસ આવ્યો કે, ‘હું પણ કોરોનાને ચોક્કસ હરાવીશ.’ સિવિલમાં દાખલ થયો ત્યારે મારી હાલત અત્યંત ગંભીર હતી. ઓક્સિજન પર બરાબર લઈ ન શકતો. ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફે મને સ્વસ્થ કરવામાં ખુબ મહેનત કરી. વાંચનનો શોખ હોવાથી પુસ્તકો વાંચ્યા કરતો જેથી ખુબ હકારાત્મક ઊર્જા મળી અને મનોબળ મજબૂત થયું.
કોવિડ વોર્ડના ઈન્ટર્ન ડો.ભૂમિકા બારિયાએ જણાવ્યું કે, દિનેશભાઈને કોવિડ આઈસીયુ વોર્ડમાં ૫૦ ટકા બાયપેપ પર શિફ્ટ કરી સારવાર આપી. સાથી તબીબોની ટીમના સતત મોનિટરીંગ હેઠળ ડાયાબિટીસની પણ સારવાર ચાલતી. ચાર દિવસ આઈસીયુંની સારવાર બાદ જનરલ વોર્ડમાં શિફ્ટ કરી ૧૫ લીટર ઓક્સિજન પર છ દિવસ રાખ્યા. સ્વસ્થ થતા રજા આપવામાં આવી.
ડો.બારીયાએ કહ્યું કે, નવી સિવિલના અનુભવી ડો.અશ્વિન વસાવા, ડો.અમિત ગામિત, ડો. વિશ્વકિરણ સહિતના તબીબોના માર્ગદર્શન હેઠળ કોરોના સાથે અન્ય બિમારીથી પીડીત દર્દીઓની સેવા કરવાનો મોકો મળ્યો છે, જેથી ફરજને અમે પૂરી નિષ્ઠાથી નિભાવવાનો પ્રયાસ કરીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *