પોલીસ કમિશનરે જાહેર રસ્તા પર આતશબાજી પર આવશ્યક પ્રતિબંધ ફરમાવ્યો.

સૂરત શહેરમાં લગ્નપ્રસંગ, વિજય સરઘસ કે ધાર્મિક કે સામાજિક મેળાવડા દરમિયાન થતી આતશબાજીના કારણે થતા ઇજાના બનાવો તેમજ દર્દીઓ અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીની સાથોસાથ જાનમાલને નુકશાન અને ટ્રાફિક અડચણ જેવા પ્રશ્નો સર્જાતા હોય છે. જેથી શહેરના શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે એક જાહેરનામાં દ્વારા જરૂરી પ્રતિબંધ ફરમાવ્યા છે.

પોલિસ કમિશનરની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં રાત્રિના ૧૦-૦૦ થી સવારના ૬-૦૦ વાગ્યા સુધી ફટાકડા અને દારૂખાનું ફોડવા પર પ્રતિબંધ મૂકયો છે. શહેરના જાહેર રસ્તા/રોડ ફૂટપાથ ઉપર દારૂખાનું/ફટાકડા ફોડવા/સળગાવવા ઉપર તથા આતશબાજી કરવા ઉપરાંત જાહેર રસ્તાઓ/રોડ તથા ફૂટપાથ ઉપર બોમ્બ, રોકેટ, હવાઇ તથા અન્ય ફટાકડા જેનો સમાવેશ દારૂખાનામાં થતો હોય તેવા ફટાકડા સળગાવી વ્યકિત ઉપર ફેંકવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જયારે સમગ્ર વિસ્તારમાં આવેલી હોસ્પીટલ, શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓના ૧૦૦ મીટરના વિસ્તારમાં ફટાકડા/દારૂખાનું ફોડવું નહી. ડુમસ પો.સ્ટે. વિસ્તારમાં આવેલા સુરત એરપોર્ટની ફરતી દિવાલ/ફેન્સીંગ તારની વાડથી ૫૦૦ મીટરના ઘેરાવામાં કોઈ પણ વ્યકિતએ હવાઈ રોકેટ અથવા આકાશ તરફ ઉડે તેવા દારૂખાના કે ફટાકડા ફોડવા નહી. હજીરા અને ઈચ્છાપોર પો.સ્ટેશન વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોની કંપનીઓના કંપાઉન્ડના ધેરાવામાં કોઈ પણ વ્યકિતએ હવાઈ રોકેટ અથવા આકાશ તરફ ઉડે તેવા દારૂખાના કે ફટાકડા ફોડવા નહી. આ હુકમનો અમલ તા.૦૫/૧૨/૨૦૨૦ સુધી રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *