ગેસ્ટ હાઉસ તથા હોટલોના માલિકોએ મુસાફરની પથિક સોફ્ટવેરમાં ઓનલાઈન વિગતો ભરવી: પોલીસ કમિશનર કચેરીનું જાહેરનામું.

સુરત શહેરમાં જાહેર સુરક્ષાના હેતુથી પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમરે એક જાહેરનામું બહાર પાડી શહેરમાં આવેલા ગેસ્ટ હાઉસ તથા હોટલોના માલિકો માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. જે મુજબ પ્રવાસીઓને રહેવાની સુવિધા આપતા દરેક હોટલ, ગેસ્ટ હાઉસ, મુસાફરખાના, લોજ, બોર્ડીંગ દ્વારા મુસાફરની ઓનલાઈન એન્ટ્રી https://pathik.guru/ માં કરવાની રહેશે. ગ્રાહકની રજિસ્ટર એન્ટ્રી સાથે દરેક હોટલ પોતાના રીસેપ્શન કાઉન્ટર ઉપર ઇન્ટરનેટ કનેક્ટીવીટી સાથેનુ્ં એક કોમ્પ્યુટર રાખી જેમાં સુરત પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ પથિક સોફ્ટવેર ઇન્સ્ટોલ કરાવી રજિસ્ટ્રરમાં થતી એન્ટ્રી આ પથીક સોફ્ટવેરમાં કરવાની રહેશે. હોટેલ, ગેસ્ટ હાઉસની અંદર તથા બહારના ભાગને કવર કરી શકાય તેવા સારી ગુણવત્તાવાળા અને વધુ રેન્જના સી.સી.ટી.વી. કેમેરા ગોઠવવા તેમજ કેમેરાનું રેકોર્ડીગ ૩ મહિના સુધી સંગ્રહ કરવાનું રહેશે. સંચાલકોએ કેમેરાઓ ૨૪ કલાક શરૂ રહે તેની તકેદારી રાખવાની રહેશે.

આવનાર તમામ મુસાફરોના નામ, સરનામાં, ફોનની એન્ટ્રી કરવી, ઉપરાંત તેનો મોબાઈલ નંબર સાચો છે કે કેમ તેની ખરાઈ કરી ઓનલાઈન પોર્ટલ અને રજિસ્ટરમાં નોંધવાનો રહેશે. મુસાફર વાહન સાથે રોકાણ કરે તો તેના વાહનનો પ્રકાર, વાહન નંબરની નોંધ કરવી. હોટેલ તરફથી આપવામાં આવતાં ફ્રી વાઈફાઈનો દુરુપયોગ ન થાય તેમજ મુસાફર ફ્રી વાઈફાઈનો ઉપયોગ કરી કઈ કઈ વેબસાઈટનો ઉપયોગ કરે છે, અને કઈ વિગતો ડાઉનલોડ કરે છે એ વિગતોની ચકાસણી કરવી. બહારની કોઈ વ્યક્તિ હોટેલમાં રોકાયેલી વ્યક્તિની મુલાકાત માટે આવે ત્યારે પણ મુસાફર મુલાકાતી રજીસ્ટરમાં તેની તમામ નોંધ તારીખ, સમય અને આઈડી પ્રુફ સાથે કરવી. આ જાહેરનામું તા.૦૪/૧૨/૨૦૨૦ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *