વપરાયેલા સર્જીકલ હેંડ ગ્લવ્ઝને ધોઈને વેચવાનું કૌભાંડ પકડાયું.

નવી મુંબઈની ક્રાઈમ બ્રાન્ચે વપરાયેલા સર્જીકલ હેન્ડ ગ્લવ્ઝને ધોઈને ફરી તેનું વેચાણ કરવાના ગોરખ ધંધા બદલ એક ઈસમની ધરપકડ કરી છે. પાવને MIDC વિસ્તારમાં એક ગોડાઉનમાં રેડ દરમિયાન ત્રણ ટન વપરાયેલા હેન્ડ ગ્લવ્ઝનો જથ્થો પણ પોલીસને મળી આવ્યો છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ આ કૌભાંડમાં વિસ્તારપૂર્વક તપાસ કરી રહી છે. હોસ્પિટલમાંથી વપરાયેલા હેંડ ગ્લોવઝ મેળવીને એને ધોઈને પેકિંગ કરીને વેચવા માટૅ બેલાપુરના ૪૦ વર્ષીય પ્રશાંત સુર્વે નામના વ્યકતિની મુંબઈ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે.

IPC ની કલમ 420, 188, 270, 336 મુજબ આ કૌભાંડમાં સંકળાયેલ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ આ ગોરખધંધા સાથે સંકળાયેલા લોકો વોશિંગ મશિનનો ઉપયોગ કરી ગ્લવ્ઝને ધોઈ નાંખતા હતા. ત્યારબાદ તેને ડ્રાયર વડે સુકવીને ફરીથી તેનું પેકેજિંગ કરી વેચાણ કરવામાં આવતું હતું. ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલા ગ્લવ્ઝના જથ્થાની બજાર કિંમત અંદાજે છ લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.   

પોલીસના જણાવ્યા મુજબ આ ગ્લવ્ઝનો જથ્થો જોતા એવું લાગી રહ્યું છે કે હોસ્પિટલો અને અન્ય મેડિકલ સંસ્થાઓમાંથી આ વપરાયેલા ગ્લવ્ઝન પુરવઠો પ્રાપ્ત કરવામાં આવતો હતો. ગોડાઉનમાં વપરાયેલા ગ્લવ્ઝની છણાવટ કર્યા બાદ તેને ધોઈ અને ડ્રાયરની મદદથી સુકવીને રી-પેકેજિંગ કરવામાં આવતું હતું. વપરાયેલા સર્જિકલ ગ્લવ્ઝને ધોવા માટે ઉપયોગમાં લેવાતા રસાયણની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *