કોરોના દર્દીઓને કોવિડ-૧૯ હોસ્પિટલમાં શિફ્ટ કરવાની જવાબદારી સુપેરે નિભાવતા ૨૧ MBBS તબીબ વિદ્યાર્થીઓ

હાલ કોરોનાની વાયરસના સંક્રમણથી તબીબો, પેરામેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ કોરોનાગ્રસ્તોની રાતદિવસ મહેનત કરી વધુને વધુ દર્દીઓ સ્વસ્થ થઈને તેમના ઘરે પરત જાય એવાં ધ્યેય સાથે સારવાર આપી રહ્યા છે, ત્યારે ફાઈનલ વર્ષ એમ.બી.બી.એસના વિદ્યાર્થીઓ પણ મદદરૂપ થઈને પોતાની ફરજ બજાવી રહ્યા છે. કોરોના દર્દીઓને પ્રશિક્ષિત તબીબી ટીમ દ્વારા સંપૂર્ણ કાળજી સાથે નવી સિવિલ કેમ્પસની એક બિલ્ડીંગમાંથી નવી બનેલી સ્ટેમ સેલ કોવિડ-૧૯ બિલ્ડીંગમાં ટ્રાન્સફર કરે છે.
ટ્રાન્સફર કરતી વખતે અન્યને ઇન્ફેકશન ન લાગે અને દર્દીના સ્વાસ્થ્યમાં કોઈ પ્રકારની સમસ્યા ન ઉભી થાય એ હેતુથી સિવિલ તંત્ર દ્વારા ‘ઈન્ટરનલ ટ્રાન્સફર ટીમ’ બનાવવામાં આવી છે. આ ટીમ કોવિડના એક વોર્ડથી બીજા વોર્ડમાં શિફ્ટ કરવાનું કાર્ય પણ કરે છે. ગવર્નમેન્ટ મેડિકલ કોલેજના છેલ્લા વર્ષના ૨૧ જેટલાં MBBS તબીબ વિદ્યાર્થીઓએ વોલિન્ટયર તરીકે સ્વની પરવા કર્યા વિના કોરોનાગ્રસ્ત દર્દીઓની ઈન્ટરનલ ટ્રાન્સફરની જવાબદારી સંભાળી રહ્યા છે.
સુરત નવી સિવિલ હોસ્પિટલ કોવિડ-૧૯ નોડલ ઓફિસર ડો. અશ્વિન વસાવાએ જણાવ્યું કે, કોરાનાની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત મેડિકલ કોલેજના એમ.બી.બી.એસના ૧૫૦ વિદ્યાર્થીઓની સેવા લેવામાં આવી રહી છે. જે પૈકી ૨૧ તબીબ વિદ્યાર્થીઓ કોવિડ હોસ્પિટલના દર્દીઓની ઇન્ટર ટ્રાન્સફર ટીમમાં ખૂબ જ ઉત્સાહથી જોડાયા છે. દર્દીઓને સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગથી ૧૦૦૦ બેડની કોવિડ-૧૯ ડેડિકેટેડ સ્ટેમસેલમાં હોસ્પિટલમાં શિફટ કરવામાં માટે ‘ઈન્ટરનલ ટ્રાન્સફર ટીમ’ ૨૪ કલાક કાર્યરત છે. કોરોના ઇન્ફેક્શનના જોખમ વચ્ચે પણ હિંમત દાખવી આ કાર્યમાં જોડાયા છે. પરિવાર તરફથી મળતા પ્રોત્સાહન અને સિનીયર તબીબોની પ્રેરણાથી વિદ્યાર્થીઓ બમણા જોશથી સિવિલ તંત્ર સાથે ખભેખભા મિલાવી સેવા આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *