રાજ્યમાં લોકો કોરોનાની ગાઇડલાઇનનું પાલન થતી ન હોવાનું ધ્યાને આવતાં ગુજરાત સરકારે હવે વધુ કડક પગલાં લેવાની જાહેરાત કરી છે. જેમાં જો કોઇ રિક્ષાચાલક,કેબ કે ટૅક્સી ડ્રાઈવર કે ખાનગી કે સરકારી વાહનચાલક તથા તેમાં મુસાફરી કરતા મુસાફરો માસ્ક વગર પકડાશે તો વાહન ચાલક અને મુસાફર બંને પાસેથી નક્કી કરવામાં આવેલો દંડ વસૂલ કરવામાં આવશે.

રાજ્યમાં આવેલા નાના શોપિંગ મોલ્ક કે દુકાનોમાં પણ માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે. જો સ્ટોર્સમાં કે મોલમાં કોરોનાની ગાઇડલાઇનનું પાલન નહીં કરવામાં આવે તો દુકાનદાર/સ્ટોરમાલિક/મોલ મેનેજર પાસેથી દંડ વસૂલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મોલ, દુકાનોમાં એરકન્ડિશન હોય છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવતા હોય છે. તેથી કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે હાઇકોર્ટના નિર્દેશ મુજબ શોપિંગ મોલ્સ કે દુકાનમાં આવતા તમામ મુસાફરો સહિત દુકાનદાર, સ્ટાફ અને ત્યાં હાજર તમામ લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત છે. જો કોઇ માસ્ક વગર પ્રવેશ કરશે અને ધ્યાનમાં આવશે તો હવેથી માલિક સહિત વ્યક્તિને દંડ ફટકારવામાં આવશે.