નર્મદ નગરી સુરત શહેર તેની આગવી ઓળખના કારણે જાણીતું બન્યું છે. ખાવા-પીવાના અને ઉત્સવોના શોખિન સુરતીલાલા માનવીય સંવેદનામાં પણ પાછા પડે એમ નથી. પુર-પ્લેગ જેવી આફત સમયે બાથભીડીને સુરતીઓ પુનઃ જીવનમાં પરોવાય ગયા. મદદની હુંકાર સામે ડાયમંડ નગરીના દાનવીરોએ કયારેય પાછી પાની કરી નથી. કોરોના સમયે પણ આગવી ઓળખ આપી છે. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ કોમ્યુનીટી કોવિડ કેર આઈસોલેશન સેન્ટરો છે.

કોરોના વૈશ્વિક મહામારી સમયે દર્દીઓની વ્હારે વિવિધ સમાજો આગળ આવ્યા છે. આરોગ્ય અગ્ર સચિવશ્રી જયંતિ રવિ, નાણા વિભાગના સચિવશ્રી મિલિંદ તોરવણે, જી.આઇ.ડી.સી.ના એમ.ડી. શ્રી એમ.થૈન્નારસન, સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રી બંછાનિધિપાની અને કલેકટર શ્રી ધવલ પટેલના સંકલન હેઠળ રાજય સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ખાસ ફરજ પરના અધિકારી નિવૃત આઈ.એ.એસ.શ્રી આર.જે.માકડિયાને જવાબદારી સોંપવામાં આવી છે તેમની દેખરેખ હેઠળ વિવિધ સમાજો દ્વારા ૨૦ જેટલા ‘કોમ્યુનીટી બેઈઝડ કોવીડ આઈસોલેશન સેન્ટરો’ શરૂ કરાયા છે. દેશભરમાં આવા સેન્ટરો પ્રથમ શરૂઆત સુરત શહેરમાં થઈ છે. રાષ્ટ્રીય કક્ષાએ જેની નોંધ લેવાય છે. કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ સેન્ટરોમાં વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.