શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની આ સમગ્ર ઘટનાક્રમની તપાસ માટે જ્યુડિશિયલ ઈન્કવાયરીનો રાજ્ય સરકારનો નિર્ણય.

મુખ્યમંત્રીશ્રીએ શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની આ સમગ્ર ઘટનાક્રમની તપાસ માટે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સંગીતા સિંહ અને શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ પુરીની નિયુક્તિ કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ બે વરિષ્ઠ અધિક મુખ્ય સચિવશ્રીઓને તેમની તપાસનો અહેવાલ ત્રણ દિવસમાં રાજ્ય સરકારને આપવાની સ્પષ્ટ સૂચનાઓ પણ આપી હતી.આજે આ બે વરિષ્ઠ અધિક મુખ્ય સચિવ શ્રીમતી સંગીતા સિંહ અને શ્રી મુકેશ પુરીએ તેમનો તપાસ અહેવાલ રાજ્ય સરકારને સુપ્રત કર્યો છે.

અહેવાલમાં જણાવાયું છે કે પ્રાથમિક રીતે ઇલેક્ટ્રિકલ તબીબી ઉપકરણમાં આગ લાગવાથી આ ઘટના બનેલી છે. આ એક પ્રકારની એક્સિડેન્ટલ ફાયર છે જે અંદાજે ત્રણ મિનિટમાં ICUમાં પ્રસરી ગઈ છે. મુખ્યમંત્રીશ્રીએ આઠ લોકોના દર્દનાક મૃત્યુની આ આખીયે ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈને તેમને વરિષ્ઠ અધિક મુખ્ય સચિવશ્રીઓએ સોંપેલા તપાસ અહેવાલ બાદ કોઈ પણ પ્રકારની ન્યાયિક બાબત છૂટી ન જાય કે કોઈપણ કસૂરવાર છટકી ન જાય તે હેતુસર સમગ્ર ઘટનાની ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ થાય તે માટે નિવૃત્ત હાઇકોર્ટ જજની અધ્યક્ષતામાં તપાસ પંચને જ્યુડિશિયલ ઇન્કવાયરી સોંપવાનો નિર્ણય કર્યો છે. આ ઘટના અંગે પોલીસ દ્વારા પણ ઝડપથી FIRની કાર્યવાહી કરવામાં આવે તેવા સ્પષ્ટ આદેશો પણ  આજ રોજ રાજ્ય સરકારે આપ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *