
ગુજરાત હાઈકોર્ટમાં થોડા દિવસ પહેલા જ લવ જેહાદ વિરુદ્ધના કાયદા “ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા કાયદા” ની અમુક કલમો પર રોક લગાવી હતી. આજે 25 ઓગષ્ટે ફરી વાર આ અંગે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. એડવોકેટ જનરલે લવ જેહાદ વિરોધી કાયદાની કલમ-5 પરનો મનાઇ હૂકમ હટાવવા હાઇકોર્ટમાં સરકાર વતી રજૂઆત કરી.એડવોકેટ જનરલે દલીલ કરી કે કલમ-5ને વિવાહ સાથે કોઇ લેવા દેવા નથી અને સેક્શન-5માં વિવાહ બાબતો પણ કોઇ ઉલ્લેખ નથી.જોકે આ દલીલ બાદ હાઇકોર્ટે કલમ-5 અંગે એડવોકેટ જનરલને ઘણા સવાલો પૂછ્યા હતાં.આ તમામ સવાલોના એડવોકેટ જનરલે હાઇકોર્ટ સમક્ષ જવાબો આપ્યા.હવે આવતીકાલે 26 ઓગષ્ટે હાઇકોર્ટમાં લવ જેહાદના કાયદાની કલમ-5 મુદ્દે વધુ સુનાવણી હાથ ધરાશે.
ઉલ્લેખનીય છે કે લવ જેહાદના કાયદાની અમુક જોગવાઇની અમલવારી પર હાઇકોર્ટે રોક ફરમાવ્યો છે. ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા કાયદાની કલમ 3, 4, 5 અને 6માં વિવાહની બાબતમાં થયેલા સુધારાની અમલવારી ઉપર હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. આંતરધર્મીય વિવાહના કિસ્સાઓમાં માત્ર વિવાહના આધાર પર FIR થઈ શકશે નહીં તેવું હાઈકોર્ટનું અવલોકન છે. હાઇકોર્ટે આદેશ કર્યો હતો કે, બળજબરી દબાણ કે લોભ લાલચથી વિવાહ થયા છે તેવું પુરવાર કર્યા સિવાય FIR થઈ શકશે નહીં.