કેન્દ્ર સરકાર 16થી 31 મે સુધીના એક પખવાડિયામાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડની રસીના લગભગ 192 લાખ ડોઝ વિનામૂલ્યે પૂરા પાડશે.

દેશમાં કોવિડ-19 વિરોધી રસીના અત્યાર સુધીમાં કુલ આપવામાં આવેલા ડોઝનો આંકડો લગભગ 18 કરોડ (આંજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર 17.93 કરોડ) સુધી પહોંચી ગયો છે. કોવિડ-19 રસીકરણ અભિયાને સફળતાપૂર્વક 118 દિવસ પૂરા કર્યા છે અને તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સહયોગપૂર્ણ પ્રયાસોથી કુલ 17.8 કરોડ લાભાર્થીઓને રસી આપવામાં આવી છે. રસીકરણના 17 કરોડના સીમાચિહ્નરૂપ આંકડા સુધી ભારત સૌથી ઝડપથી એટલે કે 114 દિવસમાં પહોંચી ગયું છે. USAને આટલી સંખ્યામાં રસીના ડોઝ આપવામાં 115 દિવસ જ્યારે ચીનને 119 દિવસ લાગ્યા હતા.

‘કોવિડ-19 રસીકરણની ઉદારીકૃત અને પ્રવેગિત તબક્કા-3ની વ્યૂહનીતિ’નો અમલ 1 મે 2021ના રોજથી શરૂ કરવામાં આવ્યો છે જેમાં ઉપલબ્ધ ડોઝમાંથી 50% જથ્થો ભારત સરકારની ચેનલ મારફતે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને વિનામૂલ્યે આપવા માટે નિર્ધારિત કરવામાં આવ્યો છે જ્યારે બાકી રહેલો 50% જથ્થો રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને ખાનગી હોસ્પિટલો સીધા જ રસીના ઉત્પાદક પાસેથી ખરીદી શકશે.

ભારત સરકાર દ્વારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના પુરવઠાની ફાળવણી તેમની વપરાશની રૂપરેખા અને આગામી પખવાડિયામાં બીજા ડોઝના લાભાર્થીઓના ભારણના આધારે નક્કી કરવામાં આવે છે. 16થી 31 મે 2021 સુધીના પખવાડિયા દરમિયાન કેન્દ્ર દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિશિલ્ડ અને કોવેક્સિનના 191.99 લાખ ડોઝ પૂરા પાડવામાં આવશે. આમાં કોવિશિલ્ડના 162.5 લાખ ડોઝ અને કોવેક્સિનના 29.49 લાખ ડોઝ સામેલ રહેશે.

આ ફાળવણી માટેનું ડિલિવરી શેડ્યૂલ અગાઉથી બધાને આપી દેવામાં આવ્યું છે. રાજ્યોને વિનંતી કરવામાં આવી છે કે, સંબંધિત અધિકારીઓ તેમને ફાળવવામાં આવેલા ડોઝનો વ્યવહારુ અને ઉચિત ઉપયોગ સુનિશ્ચિત કરે અને રસીનો બગાડ શક્ય એટલો ઓછા થાય તેના પર ધ્યાન આપે.

ભારત સરકાર દ્વારા 15 દિવસ અગાઉથી જ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને તેમના વિનામૂલ્યે રસીના જથ્થા વિશે આગોતરી જાણ કરવાનો મૂળ ઉદ્દેશ તેઓ વિનામૂલ્યે પ્રાપ્ત થનારા આ ડોઝના ઉચિત અને શ્રેષ્ઠતમ ઉપયોગ માટે પોતાના તરફથી પૂર્વતૈયારીનું પ્લાનિંગ કરી શકે તે માટેનો છે. વિનામૂલ્યે મળનારા આ ડોઝ 45 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો, HCW અને FLW માટે છે. 1થી 15 મે 2021 સુધીના અગાઉના પખવાડિયામાં કેન્દ્ર સરકારે રાજ્યોને કુલ 1.7 કરોડ રસીના ડોઝ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવ્યા છે.

આ ઉપરાંત, રાજ્યો અને ખાનગી હોસ્પિટલો દ્વારા સીધી ખરીદી માટે કુલ 4.39 કરોડથી વધારે ડોઝનો જથ્થો મે 2021માં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *