
હાલ સમગ્ર વિશ્વ જ્યારે કોરોના મહામારી સામે લડી રહ્યું છે ત્યારે રાજ્ય સરકારે ‘મારૂ ગામ, કોરોનામુક્ત ગામ’ અભિયાન અમલી બનાવ્યું છે. આ ઝુંબેશમાં સહયોગી થવા નહેરૂ યુવા કેન્દ્રના યુવા સ્વયંસેવકો છેલ્લા એક માસથી સુરતના સરદાર આઈસોલેશન સેન્ટર પર કોરોના દર્દીઓની સંભાળ તેમજ સારવાર કરી રહ્યા છે. સાથે આસપાસના વિસ્તારોમાં જઈને યુવાનો તથા આમજનતાને રસીકરણ માટે પ્રોત્સાહિત કરવાની પ્રવૃત્તિ પણ વેગવાન બનાવી છે.
આ ઉપરાંત દરેક સ્વયંસેવકોએ પોતાના વિસ્તારમાં આવેલા નજીકના હેલ્થ સેન્ટર પર જઈને કર્મચારીઓને રસીકરણમાં સહાયરૂપ થયા હતા. તથા ઓનલાઈન વેબિનારનું આયોજન કરી વિદ્યાર્થીઓને રસીકરણ માટે જાગૃત કર્યા હતા. નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા ૧૮ વર્ષથી ઉપરના યુવાનોને રસીકરણ માટે COWIN પોર્ટલ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં મદદ કરવામાં આવી રહી છે.
સુરત નહેરૂ યુવા કેન્દ્રના જિલ્લા યુવા અધિકારીશ્રી સચિન શર્મા તથા તેમના ટીમ મેમ્બર આશિષ ચાવડા, મયુર દેત્રોજા, મેહુલ દોંગા તથા નિખીલ ભુવા દ્વારા ચોર્યાસી તાલુકાના અલગ-અલગ વિસ્તારમાં તેમજ મનોજ દેવીપૂજક અને ઠાકોર શ્રેયા દ્વારા ઓલપાડ વિસ્તારમાં સેવા સહયોગ આપવામાં આવી રહ્યો છે.