રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય.સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની યાદીમાં ‘‘મારૂ કુંભાર’’ જાતિનો સમાવેશ.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી રાજ્ય સરકાર દરેક જ્ઞાતિ-સમાજના વિકાસ માટે હંમેશા કટિબદ્ધ છે. રાજ્ય સરકારે વધુ એક પ્રજાલક્ષી મહત્વનો નિર્ણય લઇ ‘‘મારૂ કુંભાર’’ જાતિનો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની યાદીમાં સમાવેશ કર્યો છે.

સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગની યાદીમાં જણાવ્યાનુંસાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ યાદીમાં ક્રમાંક:૯૯ ઉપર “કુંભાર” તથા તેની પેટા જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના કુંભાર જ્ઞાતિની પેટા શાખ “મારૂ કુંભાર” જાતિના કેટલાક અરજદારોને તેઓના દસ્તાવેજોમાં “મારૂ કુંભાર’’ દર્શાવેલ હોવાના કારણે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર મેળવવામાં મુશ્કેલી પડતી હતી જે ધ્યાને આવતા રાજ્ય સરકારે આ મુશ્કેલી સત્વરે દૂર કરવા વિભાગને આદેશ કર્યો હતો.

જે અંતર્ગત ‘‘મારૂ કુંભાર’’ જાતિના અરજદારોને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર સરળતાથી મળી રહે તે હેતુથી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ઠરાવમાં સુધારો કરી ‘‘મારૂ કુંભાર’’ જાતિનો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આ વિભાગ દ્વારા કરવામાં આવેલા ઠરાવથી હવે સમસ્ત ‘‘મારૂ કુંભાર’’ જાતિના નાગરિકો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્રો અને અન્ય લાભો વધુ સરળતાથી મેળવી શકશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમાર તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ કલ્યાણના રાજ્ય મંત્રીશ્રી વાસણભાઇ આહીરનો મારૂ કુંભાર જ્ઞાતિ સમાજ દ્વારા આભાર માની છેવાડાના માનવીની દરકાર કરતી સરકાર સદાય તેઓની સાથે છે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *