રાજકોટમાં MLA ગ્રાન્ટમાંથી 10 નવા ઓક્સિજન પ્લાન્ટ યુદ્ધના ધોરણે સિવિલ હોસ્પિટલમાં કાર્યરત કરાશે.

રાજકોટમાં કોરોના સંક્રમિત જરૂરિયાતવાળા  દર્દીઓને પૂરતા પ્રમાણમાં- અવિરતપણે  ઓક્સિજન- પ્રાણવાયુ મળતો રહે તે માટે મુખ્યમંત્રી શ્રી  વિજયભાઈ રૂપાણી સહિત રાજકોટ  શહેર-ગ્રામ્યના ચારેય ધારાસભ્યોશ્રીઓની ગ્રાન્ટમાંથી વધુ 10 નવા ઓક્સિજન પ્લાન્ટ યુદ્ધના ધોરણે  સિવિલ હોસ્પિટલ- રાજકોટમાં કાર્યરત કરાશે. 
ગુજરાતમાં કોરોના સંક્રમિત જરૂરિયાતવાળા  એક પણ દર્દીને ઑક્સિજનની ઘટ ન પડે  તેવા સંકલ્પ સાથે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સહિત રાજકોટ શહેર- પૂર્વના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ રૈયાણી અને રાજકોટ દક્ષિણના ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલે તેમને મળતી વાર્ષિક ગ્રાન્ટના તમામ રૂ. 1.50-1.50 કરોડ એમ કુલ રૂ. 4.50 કરોડ જયારે  રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય શ્રી લાખાભાઈ સાગઠીયાએ રૂ. 1 કરોડ  એમ કુલ રૂ. 5.50  કરોડની ફાળવણી  10 નવા ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે કરી છે. આ ઉપરાંત રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય શ્રી લાખાભાઈ સાગઠીયાએ તેમની ધારાસભ્ય તરીકેની બાકી રહેતી  બચત ગ્રાન્ટ તેમના મત વિસ્તારમાં આવતા CHC અને PHC માટે ફાળવી આપી છે. 
અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ  6 મેના રોજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે, કોરોના કોવિડ-19 નિયંત્રણ- સારવારના અદ્યતન સાધનો-મશીનરી ખરીદવા માટે રાજ્યના દરેક ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા રૂપિયા 50 લાખની ગ્રાન્ટ ફરજિયાત ફાળવવાની રહેશે. જેના ભાગરૂપે મુખ્યમંત્રીશ્રી રૂપાણી સહિત રાજકોટ શહેર-ગ્રામ્યના ભાજપના  તમામ ચારેય ધારાસભ્યોએ તેમની ગ્રાન્ટમાંથી રાજકોટ   સિવિલમાં 10 નવા ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા ફાળવવાની જાહેરાત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *