સવારથી ભટગામથી નીકળેલી દાંડી યાત્રા ગોલા, અછારણા થઈ સાંધિયેર ગામે ગ્રામજનોએ દાંડીકૂચ યાત્રિકોનું ભવ્ય સ્વાગત કર્યું.

ગાંધીજી અમર રહો, વંદે માતરમના નારાઓ સાથે દાંડીયાત્રાનું ઠેર ઠેર સ્વાગતઃ
સુરતઃસોમવારઃ- આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત તા.૧૨મી માર્ચના રોજ અમદાવાદ ખાતેથી પ્રારંભ થયેલી દાંડીયાત્રાનું આજે ઓગણીસા દિવસે સવારે ઓલપાડ તાલુકાના ભટગામથી નીકળી ગોલા, અછારણ થઈ બપોરે સાંધિયેર ગામે આવી પહોચી હતી. ગાંધીજી અમર રહો, વંદે માતરમના નારાઓ સાથે દાંડીયાત્રિકોનું ઠેર ઠેર ગ્રામજનોએ ફુલહાર, સૂતરની આટી પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
વર્ષ ૧૯૩૦માં દાંડીકૂચ યોજી આઝાદીનો માર્ગ પ્રશસ્ત કરનાર મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં દાંડી પદયાત્રિકોનું ૩૦મી માર્ચ, ૧૯૩૦ ના રોજ ઓલપાડ તાલુકામાં બપોરે સાંધિયેર આવ્યા હતા. સાંધિયેર ગામના ૮૭ વર્ષના ગાંધી વિચારક અને રીયાર્ટડ પ્રોફેસર જયવદનલાલ સુરતી જણાવ્યું કે, અમારા ગામના સ્વ.પ્રભુભાઈ દેસાઈ, નારાયણભાઈ પટેલ, નરોત્તમભાઈ દેસાઇ જેવા ગાંધીવાદી પ્રખર કાર્યકરો ગાંધીજીને લેવા માટે સાંધિયેરથી એક માઈલ સુધી સામે ગયા હતા. તેમણે કહ્યું કે, ગાંધીજી સાંધિયેર ગામે પીરની જગ્યાએ પાસે યાત્રિકો સાથે બપોરનો વિશ્રામ કર્યો હતો. બપોરે ગ્રામજનોએ ગાંધીજી માટે દુધીનું શાક અને દાળભાતનું ભોજન બનાવ્યું હતું. અગત્યની વાત તો એ છે કે, તે સમયે દુધી સાંધિયેર કે આસપાસના ગામમાં થતી ન હતી. જેથી સવારે સુરતની દુધી લાવ્યા હતા. જેથી ગાંધીજીને આ વાતની ખબર પડતા તેમણે આગેવાનોને ઠપકો આપતા કહ્યું કે, જે વસ્તુ ગામમાં ઉપલબ્ધ હોય તેનાથી જ ચલાવી લેવાનું આવા ખોટા ખર્ચા આપણને પોસાય નહી. આમ ગાંધીજી સાથે સાંધિયેરનો અનોખો નાતો રહ્યો હોવાની પ્રતીતિ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *