ગુજરાતનું હાસ્ય રસનું રતન એવા જ્યોતિંદ્ર દવેની 119મી જન્મ જયંતી.

હાસ્યસમ્રાટ જ્યોતીન્દ્ર દવેની 119મી જન્મ જયંતી. તેમનો જન્મ 21 ઓક્ટોબર, 1901ના રોજ સુરત ખાતે થયો હતો. તેઓ ‘યયાતિ’, ‘અવળવાણિયા’ અને ‘ગુપ્તા’ ઉપનામથી જાણીતા. તેઓ ઉત્તમ કોટિના હાસ્યકાર હોવા સાથે એક મર્મજ્ઞ વિવેચક હતાં.

તેમનો જન્મ વતન સુરતમાં. પ્રાથમિક થી કૉલેજ સુધીનું શિક્ષણ સુરતમાં. ૧૯૧૯માં મૅટ્રિક. ૧૯૨૩માં સંસ્કૃત-ગુજરાતી વિષયો સાથે બી.એ. ૧૯૨૫માં એમ.એ. ૧૯૨૬-૩૩ દરમિયાન મુંબઈમાં ક. મા. મુનશી સાથે રહી ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ તૈયાર કરવાની યોજનામાં જોડાયા અને ‘ગુજરાત’ માસિકના ઉપતંત્રી બન્યા. વચ્ચે થોડો સમય મુનશી જેલમાં જતાં પોતે મુંબઈની કબીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક બન્યા. ૧૯૩૩-૩૭ દરમિયાન સુરતની એમ. ટી. બી. કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૩૭માં મુનશીના આગ્રહથી ફરી પાછા મુંબઈમાં ઓરિએન્ટલ ટ્રાન્સલેટરની ઑફિસમાં પહેલાં ભાષાંતરકાર અને પછી મુખ્ય ભાષાંતરકાર. ૧૯૫૬માં ત્યાંથી નિવૃત્ત થઈ મુંબઈની કેટલીક કૉલેજોમાં ગુજરાતીના અધ્યાપક. છેલ્લે માંડવી (કચ્છ)ની કૉલેજમાં ત્રણેક વર્ષ આચાર્ય. ૧૯૪૧માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૬૬માં સુરતમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષધના પ્રમુખ. નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત. અંતિમ વર્ષો મુંબઈમાં વિતાવી ત્યાં જ અવસાન.

ગાંધીયુગમાં બુદ્ધિલક્ષી નર્મમર્મયુક્ત હળવા નિબંધોના સર્જકો રા. વિ. પાઠક, ધનસુખલાલ મહેતા, વિજયરાય વૈદ્ય, ગગનવિહારી મહેતા, જયેન્દ્ર દૂરકાળ આદિનો જે વર્ગ આવ્યો તેમાં જ્યોતિન્દ્ર દવે સૌથી વિશેષ લોકપ્રિય અને અગ્રણી નિબંધકાર હતા. હાસ્યકાર તરીકેની ઊંચી શક્તિ અને હાસ્યપ્રેરક વ્યાખ્યાનો આપવાની ઉત્તમ આવડત એ બંને ગુણોનો એમાં ફાળો હતો. ‘રંગતરંગ’-ભા. ૧ થી ૬ (૧૯૩૨, ૧૯૪૧, ૧૯૪૧, ૧૯૪૧, ૧૯૪૪, ૧૯૪૬), ‘મારી નોંધપોથી’ (૧૯૩૩), ‘હાસ્યતરંગ’ (૧૯૪૫), ‘પાનનાં બીડાં’ (૧૯૪૬), ‘અલ્પાત્માનું આત્મપુરાણ’ (૧૯૪૭), ‘રેતીની રોટલી’ (૧૯૫૨), ‘નજર : લાંબી અને ટૂંકી’ (૧૯૫૬), ‘ત્રીજું સુખ’ (૧૯૫૭), ‘રોગ, યોગ અને પ્રયોગ’ (૧૯૬૦), ‘જ્યાં ત્યાં પડે નજર મારી’ (૧૯૬૫) તથા પોતાના પ્રતિનિધિ હાસ્યલેખોને સંપાદિત કરી પોતે જ પ્રગટ કરેલો સંગ્રહ ‘જ્યોતિન્દ્ર તરંગ’ (૧૯૭૬)- એ ગ્રંથોમાંના લેખો-નિબંધોમાં સાહિત્ય, કેળવણી, સામાજિક-રાજ્કીય આચારવિચાર, અંગત જીવનની રુચિ-અરુચિ, રોજિંદા જીવનની વસ્તુઓ અને ઘટનાઓ એમ માનવજીવનને સ્પર્શતી કોઈ પણ બાબત લેખકના હાસ્યનું લક્ષ બની છે. વસ્તુની અંદર રહેલી ન્યૂનતા, વિસંગતિ ને વિકૃતિ પારખવાની અપૂર્વ સૂઝ, માનવજીવન તરફ જોવાની સમભાવપૂર્ણ દ્રષ્ટિ તથા બહુશ્રુતતા-આ તત્વોના રસાયણમાંથી સર્જાયેલા એમના નિબંધો વક્રદર્શી કે છીછરા બન્યા વગર વિવિધ પ્રકારે હાસ્ય નિષ્પન્ન કરે છે. સંવાદચાતુર્ય, આડકથા, પ્રસંગો ને ટુચકાનો આશ્રય; આડંબરી ભાષાનો પ્રયોગ; વિચિત્ર પ્રકારની પરિસ્થિતિનું આયોજન; અત્યુક્તિ, અતિશયોક્તિ કે શબ્દરમતો, અલંકારો ઈત્યાદિ વિવિધ પ્રયુક્તિઓનો આશ્રય લેતી એમની શૈલી લીલયા હાસ્યને જન્માવે છે. ‘અવસ્તુદર્શન’, ‘અશોક પારસી હતો’, ‘મહાભારત : એક દ્રષ્ટિ’, ‘મારી વ્યાયામસાધના’, ‘સાહિત્યપરિષદ’ જેવા ઘણા નિબંધો એમની ઉત્તમ હાસ્યકાર તરીકેની શક્તિના નિદર્શક છે.

( લેખ અંશ – ગુજરાતી સાહિત્ય પરિષદ સવિશેષ પરિચય વિભાગ.શ્રી જયંત ગાડીત)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *