મુંબઈ મેટ્રો ફરી દોડતી થઈ પણ થોડાં ફેરફારો સાથે.

કોરોના વાયરસ મહામારીને કારણે મૂકાયેલા લોકડાઉનમાં બંધ થયેલ મુંબઈ મેટ્રો હવે આજથી 7 મહિના બાદ કોવિડ-19 એસઓપી (ગાઈડલાઈન)ના નિયમોના ચુસ્ત પાલન સાથે ચાલુ કરાઈ છે. મહારાષ્ટ્ર સરકારે 15 ઓક્ટોબરથી મેટ્રો ચાલુ કરવાની મંજૂરી આપી દીધી હતી. 

મેટ્રો ચાલુ થયા બાદ તેના સમયમાં પણ ફેરફાર કરાયો છે જેમાં હવે યાત્રીઓ સવારે 8.30 વાગ્યાથી 8.30 સુધી જ મેટ્રોમાં મુસાફરી કરી શકશે. મેટ્રોમાં યાત્રા માટે પ્લાસ્ટિકના ટોકનનો ઉપયોગ વર્જીત રહેશે. ટોકનની સ્થાને હવે મુસાફરોને QR કોડવાળા પેપરની ટિકીટ અપાશે. સ્માર્ટ કાર્ડ અને ડિજિટલ ટિકીટનો પણ ઉપયોક થઈ શકશે. મુસાફરોના પિક અવરમાં મેટ્રો દર છ મિનીટે દોડશે.

મુસાફરી દરમ્યાન 1 સીટ છોડીને બેસવાની સુવિધા મુસાફરોને અપાઈ છે. મેટ્રોમાં અંદર ઊભા રહીને મુસાફરી કરતા મુસાફરો માટે ચિન્હો લગાવાયા છે જેથી એ ચિન્હના સ્થાન પર જ મુસાફર ઉભા રહી શકે. બધા યાત્રીઓએ મુસાફરી દરમ્યાન માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ રાખવુ ફરજીયાત છે. કોમન ટચિંગ પોઈન્ટ જ્યાં મુસાફરોના હાથ વધારે અડકવાની શક્યતાઓ છે એવી જગ્યાઓ જેવી કે ટિકીટ બારી, સીટ અને સ્તંભો વગેરે જગ્યાઓને સતત સેનિટાઈઝ કરવાની વ્યવસ્થા કરાઈ છે. મેટ્રો ટ્રેનમાં 25 થી 27 ડિગ્રી તાપમાન સ્થિર રાખવામાં આવશે. બધા સ્ટેશન પર કોચના દરવાજા 30 સેકન્ડને બદલે 180 સેકન્ડ સુધી ખુલ્લા રખાશે, જેથી કોચમાં રહેલ હવા બહાર નીકળી જાય. તેની પછી જ યાત્રીઓને પ્રવેશ અપાશે. સ્ટેશનમાં પ્રવેશતા દરેક મુસાફરનુ થર્મલ સ્કેનિંગ કરવામાં આવશે. 

છેલ્લા ઘણા દિવસોથી મુંબઈવાસીઓ મુસાફરીને લઈને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. મેટ્રો શરુ થયા બાદ હવે મુસાફરીની સમસ્યાનો અંત આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *