ગુજરાત રાજય યોગ બોર્ડના ચેરમેન શ્રી શીશપાલજીનો દાહોદવાસીઓને સંદેશ

ગત શનિવારે દાહોદમાં યોગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ગુજરાત રાજય યોગ બોર્ડના ચેરમેન શ્રી શીશપાલજીએ દાહોદવાસીઓને કોરોના સંદર્ભે એક સરસ સંદેશ આપ્યો છે. તેમણે જણાવ્યું છે કે, કોરોના સામેની વેક્શિન શોધાઇ નથી ત્યારે આપણી રોગપ્રતિકારક શક્તિ જ આપણી વેક્સિન છે અને યોગ એ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેનો રામબાણ ઇલાજ છે.

તેમણે જણાવ્યું કે, કોરોનાની વૈશ્વિક મહામારી સામે યોગ ખૂબ જ અસરકારક છે. ગુજરાત સરકારે ગુજરાત રાજય યોગ બોર્ડનું ગઠન કર્યું છે. જેનો ઉદ્દેશ છે કે જનજન સુધી યોગનો સંદેશ પહોંચે અને ઘરે ઘરે લોકો યોગ કરતા થાય. જે માટે ગુજરાતભરમાં યોગસંવાદ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કોરોનાના કપરા સમયમાં પણ અમે સામાજિક અંતર-માસ્ક વગેરે નિયમો સાથે યોગટ્રેનરો લોકોને યોગ બાબતે જાગૃત કરે તે માટે બેઠકો યોજી રહ્યાં છે.

અત્યારના સમયમાં લોકો યોગ અપનાવે તેની તાતી જરૂરીયાત છે. કોરોના સામે બચાવ માટે યોગ-પ્રાણાયામ ભારે ઉપયોગી છે. ભસ્ત્રિકા-કપાલભારતી-અનુલોમ વિલોમ પ્રાણાયામ, વ્યાયામ અને આસનો દ્વારા લોકો પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારી શકે છે. આ ઉપરાંત આયુષ મંત્રાલયે સૂચવેલા આયુર્વેદના ઉપાયો, ગરમ પાણીનો ઉપયોગ વગેરે પોતાના રોજિંદા જીવનમાં અપનાવીને કોરોનાથી બચી શકાય છે. આ બધા ઉપાયોથી રોગપ્રતિકારક શક્તિમાં પણ નોંધપાત્ર વધારો થાય છે. જે કોરોના સામે લડવામાં મદદગાર સાબિત થાય છે. જયાં સુધી કોરોનાની રસી ન શોધાય ત્યાં સુધી તમારી અંદર રહેલી રોગપ્રતિકારક શક્તિ જ વેક્સિનનું કામ કરશે. અને ઇમ્યુનિટિ વધારવા માટે યોગ એ રામબાણ ઇલાજ છે.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *