
કોવિડ-19 સામેની લડાઇમાં ભારતે વધુ એક સીમાચિહ્ન પાર કર્યું છે. રાષ્ટ્રીય સંચિત પોઝિટીવિટી દર 8%ની નીચે સરકી ગયો છે. આ વલણ સળંગ ચાર દિવસથી જળવાઇ રહ્યું છે. સંચિત પોઝિટીવિટી દર હાલમાં 7.94% થઇ ગયો છે અને તેમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે.
દેશભરમાં સઘન પરીક્ષણોના ઉચ્ચ સ્તરના કારણે આ પરિણામો પ્રાપ્ત થઇ શક્યાં છે. આજે દેશમાં કુલ પરીક્ષણોની સંખ્યા 9.5 કરોડનો આંકડો ઓળંગી ગઇ છે.પુરાવાઓ દર્શાવે છે કે, ટકાઉક્ષમ ધોરણે મોટી સંખ્યામાં પરીક્ષણોના કારણે દેશમાં પોઝિટીવિટી દર ઘટાડવામાં મદદ મળી છે. સંચિત પોઝિટીવિટી દરમાં થયેલા ઘટાડાઓએ દર્શાવ્યું છે કે, ચેપના સંક્રમણને અસરકારક રીતે નિયંત્રણમાં લઇ શકાયું છે.
તમામ પ્રદેશમાં મોટી સંખ્યામાં થઇ રહેલા પરીક્ષણોના કારણે પોઝિટીવ કેસની વહેલી ઓળખ, અસરકારક સર્વેલન્સ અને ટ્રેસિંગ દ્વારા તાત્કાલિક ટ્રેકિંગ અને પોઝિટીવ કેસને ઘર/સુવિધાઓમાં તેમજ ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓને હોસ્પિટલમાં સમયસર તેમજ અસરકારક સારવાર આપવાનું શક્ય બન્યું છે. આ પગલાંના કારણે તબક્કાવાર મૃત્યુદરમાં ઘટાડો થયો છે.ઓક્ટોબરમાં ત્રીજા અઠવાડિયામાં સરેરાશ દૈનિક પોઝિટીવિટી દર 6.13% નોંધાયો છે. કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી ટેસ્ટ, ટ્રેક, ટ્રેસ, ટ્રીટ અને ટેકનોલોજી વ્યૂહનીતિના રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા સફળતાપૂર્વક અસરકારક અમલના કારણે આ પરિણામો પ્રાપ્ત થઇ શક્યાં છે.
ભારતમાં સક્રિય કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે અને આ વલણ એકધારું જળવાઇ રહ્યું છે. લગભગ દોઢ મહિના પછી સળંગ ત્રીજા દિવસે સક્રિય કેસનું ભારણ 8 લાખ કરતાં નીચે નોંધાયું છે અને તેમાં પ્રગતિપૂર્વક ઘટાડો થઇ રહ્યો છે.આજે ભારતમાં સક્રિય કેસનું ભારણ ઘટીને 7,72,055 થઇ ગયું છે.હાલમાં, દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસની ટકાવારી માત્ર 10.23% છે.કુલ સાજા થઇ ગયેલા કેસની સંખ્યા વધીને 66 લાખ (66,63,608)નો આંકડો ઓળંગી ગઇ છે જેના કારણે સક્રિય કેસના સંદર્ભમાં તેનો તફાવત પણ વધી ગયો છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં 66,399 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે જ્યારે નવા 55,722 કેસ પોઝિટીવ નોંધાયા હોવાની પુષ્ટિ થઇ છે. રાષ્ટ્રીય સાજા થવાનો દર વધીને 88.26% સુધી પહોંચી ગયો છે.નવા સાજા થયેલા કેસમાંથી 79% દર્દીઓ 10 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો એટલે કે, મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, દિલ્હી, ઓડિશા અને છત્તીસગઢમાંથી છે.માત્ર મહારાષ્ટ્રમાં જ સૌથી વધારે એટલે કે 11,000થી વધુ દર્દીઓ એક જ દિવસમાં સાજા થયા છે જ્યારે ત્યારબાદ કેરળ અને કર્ણાટકમાં દૈનિક ધોરણે દર્દીઓ સાજા થવાનો આંકડો 8,000 કરતાં વધારે નોંધાયો છે.