ફાર્મસી કોલેજમાં પ્રવેશ લેવા વિદ્યાર્થીઓને રાજય સરકારે શું તાકીદ કરી ?

ધોરણ-૧૨નું પરિણામ આવ્યા બાદ ફાર્મસી વિદ્યાશાખામાં ડીપ્લોમા અથવા ડીગ્રીમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓમાં ખૂબ જ સ્પર્ધા થાય છે. ફાર્મસી વિદ્યાશાખાના ડીપ્લોમાં અથવા ડીગ્રી અભ્યાસક્રમમાં ગુજરાત અથવા ગુજરાત બહાર કોઈપણ કોલેજમાં પ્રવેશ લેતા પહેલાં, આવી ફાર્મસી કોલેજને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ માન્યતા આપેલી છે કે કેમ તેની ચકાસણી કર્યા બાદ જ પ્રવેશ લેવા ગુજરાત રાજય ફાર્મસી કાઉન્સિલ દ્વારા દરેક વાલી/વિધાર્થીઓને અનુરોધ કરવામાં આવ્યો છે.

ફાર્મસી કોર્સમાં એડમીશન લેતાં વિધાર્થીઓ માટે તેમના હિતમાં ગુજરાત રાજય ફાર્મસી કાઉન્સિલ દ્વારા જરૂરી સલાહ જારી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાંથી ગુજરાત તથા ગુજરાત બહાર ફાર્મસી વિદ્યાશાખામાં ડિપ્લોમાં કે ડિગ્રીમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને છેતરામણી કે શોષણ ન થાય તે હેતુસર  ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડીયાની માન્યતા પ્રાપ્ત કોલેજમાં જ પ્રવેશ મેળવવા અને તે સંબંધિત જરૂરી ચકાસણી કરી લેવા ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા જણાવાયું છે. ફાર્મસી કાઉન્સિલે મંજૂર કરેલી બેઠકો કરતાં વધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે તો પણ અમાન્ય ગણાય છે. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્યતા આપવામાં ન આવેલી હોય તેવી કોલેજમાં અભ્યાસ કરનાર અથવા તો મંજૂર કરેલી બેઠકો કરતાં વધારે બેઠકો ઉપર પ્રવેશ મેળવનાર અથવા સંબંધિત કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની પરીક્ષા જે ઓથોરીટી લેતી હોય તેને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ માન્યતા આપેલી ન હોય તો ઉપરોક્ત સંજાગોમાં ડીપ્લોમા અથવા ડીગ્રી મેળવનાર વિદ્યાર્થીઓને ફાર્મસીસ્ટ તરીકેનું રજીસ્ટ્રેશન કાયદાનુસાર મળવાપાત્ર નથી. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત તથા અન્ય રાજ્યની માન્ય કોલેજોની યાદી ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની વેબસાઇટ www.pci.nic.in ઉપર પ્રસિદ્ધ કરવામાં આવી હોવાનું યાદીમાં જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *