૧૧૦ ડિગ્રી વળેલી ખૂંધને પેડીકલ સબસ્ટ્રેક્શન ઓસ્ટીયોટોમી થકી પૂર્વવત કરતા અમદાવાદ સિવિલ સ્પાઇન તબીબો.

અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં રહેતા વસંતભાઇ સોલંકીને દોઢ વર્ષ પહેલા કમરના ભાગમાં વેદના થતા તેઓ હોસ્પિટલમાં તપાસ અર્થે ગયા. તબીબો દ્વારા તેમની તપાસ કરતા કમરના મણકાનો ચેપ હોવાનું જાણવા મળ્યુ હતુ. જે કારણોસર ત્વરાએ તેમની સર્જરી હાથ ધરવામાં આવી. સર્જરી સફળ થઇ અને વસંતભાઇ પીડામુક્ત બન્યા.ઓપરેશનના ૬ મહિના બાદ વસંતભાઇને એકાએક હલનચલનમાં તકલીફ પડવા લાગી.તેમના કમરના ભાગમાં અસહ્ય દુખાવો થવા લાગ્યો. તેની સાથે ઓપરેશન કરેલા ભાગમાં ખૂંધ નીકળી ગઇ જે કારણોસર તેમને બેસવામાં, ઉંધવામાં ખૂબ જ તકલીફ પડતી. તેઓ દિવસ રાત બેચેન રહેતા હતા. શું કરવું તે ખબર પડી રહી ન હતી. અને વેદના અત્યંત સંવેદનશીલ બની રહી હતી.આ દરમિયાન તેઓએ ઘણી ખાનગી હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલમાં બતાવ્યુ પરંતુ નિદાન શક્ય ન બન્યુ.

વસંતભાઇ મણકાના ડૉક્ટર પાસે પણ ગયા ત્યાંના તબીબોએ ઓપરેશન કરવાની ના જ પાડી દીધી. અન્ય એક ખાનગી હોસ્પિટલે ઓપરેશન માટે તૈયારી બતાવી પરંતુ સાજા થવાની ખાતરી ન આપી. વળી ઓપરેશન વસંતભાઇએ ૪ લાખના ખર્ચે કરાવવાનું હતુ જેથી તેમને પીડામાંથી મુક્તિ મળશે પણ કે નહીં તેના પર પ્રશ્નાર્થ હતો.અંતે તેઓ પોતાની પીડામાંથી મુક્તિ મેળવવા એક આશાના કિરણ સાથે સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા.સિવિલના ઓર્થોપેડિક વિભાગના તબીબોએ વસંતભાઇની શારિરીક તપાસ કર્યા બાદ, X-ray, C.T. સ્કેન થી M.R.I.ને લગતા તમામ રીપોર્ટ કરાવ્યા. તકલીફની જળ સુધી પહોંચતા માલુમ પડ્યુ કે તેઓને પ્રી જંકસનલ કાયફોસીસ (ઓપરેશનના જે ભાગમાં સ્ક્રુ નાંખ્યા હોય તેના ઉપરના ભાગમાં ખૂંધ નીકળવી) થયુ છે. આ પ્રકારની તકલીફમાં સર્જરી વખતે ઘણી સાવચેતી રાખવી પડતી હોય છે. આવા પ્રકારના જટીલ  ઓપરેશનમાં થોડીક પણ બેદરકારી વર્તવામાં આવે તો અન્ય મણકાના ભાગમાં તકલીફ ઉભી થઇ શકવાની સંભાવના પ્રબળ રહેલી હોય છે. આ પ્રકારની સર્જરીને રીવીઝન સર્જરી કહેવામાં આવે છે. જેમાં પહેલેથી લગાડવામાં આવેલા સ્ક્રુ કાઢીને ફરી વખત નવા સ્ક્રુ નાખવા પડતા હોય છે જે ખૂબ જ પડકારજનક હોય છે જેને રીવીઝન સ્ક્રુ કહે છે.

આ તમામ તકલીફોમાંથી દર્દીને પસાર ન થવું પડે તે માટે સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટ અને ઓર્થોપેડિક વિભાગના વડા ડૉ.જે.પી. મોદીની ટીમ દ્વારા ન્યુરોમોનીટરીંગ કરી સર્જરી હાથ ધરાઇ. ચાર થી વધુ કલાક ચાલેલી સર્જરી નિપૂણતાપૂર્વક પાર પાડવામાં આવી. આ પ્રકારના ઓપરેશન બાદ દર્દીની હાલત અત્યંત ગંભીર થઇ જવાની પણ શક્યતાઓ રહેલી હોય છે. તેને આ.ઇ.સી.યુ. મેનેજમેન્ટની પણ જરૂર પડતી હોય છે અને દર્દીના જીવનનું જોખમ પણ રહેતુ હોય છે આ તમામ પરિસ્થિતિઓને નિપુણતાથી ધ્યાને રાખીને સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી. 

સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ અને ઓર્થોપેડિક વિભાગના વડા ડૉ. જે.પી. મોદી  કહે છે કે વસંતભાઇની અગાઉની સર્જરી બાદ ૧૧  અને ૧૨ માં મણકામાં ઇનફેકશન થયુ હતુ. જેના કારણે કરોડરજ્જુ ચોંટી ગઇ હતી. જંકશનલ કાયફોસીસ થવાથી ખૂંધ ૧૧૦ ડિગ્રી વળી ગઇ હતી. જેના અંદરનો ભાગ ક્રેક કરીને અગાઉની સર્જરીના સ્ક્રુ કાઢવામાં આવ્યા. આ પ્રકારના ઓપરેશનમાં દર્દીના જીવનું જોખમ પ્રબળ હોય છે જેથી નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા આ સર્જરી હાથ ધરાઇ. આજે વસંતભાઇ સંપૂર્ણપણે સાજા થઇ ગયા છે અને જલ્દીથી પોતાના ધરે પરત ફરશે.સિવિલ હોસ્પિટલમાં કોરોનાકાળમાં સ્પાઇનની ડિજનરેટીવ, ડીફોર્મેટીવ, ક્રોમેટીક અને ઇન્ફેકટીવ પ્રકારની રેર અને  અત્યંત જટિલ ગણાતી કુલ ૧૪૬ સર્જરીઓ કરવામાં આવી હોવાનું ડૉ. મોદીએ ઉમેર્યુ હતુ. આજના વર્લ્ડ સ્પાઇન ડે નિમિત્તે આવા પ્રકારની અત્યંત જટીલ ગણાતી સ્પાઇન સર્જરી વિશ્વના તમામ નિષ્ણાંત સ્પાઇન સર્જનને સમર્પિત કરીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *